
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ સલિયાટા ખાતે પાણી પુરવઠા યોજનાના કુવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મનમાંની સામે ગ્રામજનો ત્રાહિમામ*
*સલીયાટા ગામે વર્ષ-2017 માં આઠ લાખ રૂપિયાના ખર્ચે સ્વતંત્ર પાણી પુરવઠા યોજના ભાગ-1 દ્વારા મંજૂર થયેલ સાર્વજનિક કુવો કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પૂર્ણ નહીં કરાતા રજૂઆત*
*અરજદાર દ્વારા રજૂઆત કરાતા ડી.ડી.ઓ દ્વારા કામગીરી શરૂ કરી વહેલી તકે પૂર્ણ કરવા હુકમ કરાયો*
સુખસર,તા.27
ફતેપુરા તાલુકામાં પ્રજાની સુખાકારી અને સુવિધા આપવાના હેતુથી સરકાર દ્વારા લાખો રૂપિયા મંજૂર કરી જે તે કામગીરી શરૂ કરવામાં આવે છે.પરંતુ કામગીરી શરૂ થયા બાદ કેટલીક કામગીરીમાં કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી સમય મર્યાદા હોવા છતાં વર્ષો સુધી કામગીરી પૂર્ણ નહીં કરી સરકાર અને પ્રજા સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા જોવા અને જાણવા મળે છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના નીંદકા પૂર્વના સલીયાટા ફળિયા ખાતે વર્ષો અગાઉ સાર્વજનિક કૂવાની કામગીરીની શરૂ કરવામાં આવી હતી.પરંતુ તે આજદિન સુધી પૂર્ણ નહીં થતાં તેની ગામના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆત કરાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટરને કામગીરી વહેલી તકે શરૂ કરી પૂર્ણ કરવા હુકમ કરાયો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ સલિયાટા ફળિયા ખાતે વર્ષ 2017 માં સ્વતંત્ર પાણી પુરવઠા યોજના ભાગ એક પ્રાયોજના વહીવટદારના આદેશ નંબર 582 થી તારીખ 29/4/2017 માં ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા માટે રૂપિયા 8.50 લાખના ખર્ચે કુવાની મંજૂરી આપવામાં આવી હતી.તેમજ આ કામના નાણાં યોજના અમલ માટે કાર્યપાલક ઇજનેર,જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગ,પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દાહોદના હવાલે મુકવામાં આવેલ હતી. કાર્યપાલક ઇજનેર દ્વારા આ કામ જાહેર નિવિદા થી આસ્થા કન્ટ્રક્શન કંકાસીયા,તા.ફતેપુરાના વસ્તાભાઈ કોદરભાઈ પટેલને ફાળવવામાં આવેલ હતું.અને વર્ષ 2017 થી આ કુવાની કામગીરીની શરૂઆત કરવામાં આવેલ હતી. તેમજ હાલમાં આ કુવાની ઊંડાઈ 22 ફૂટ જેટલી છે.જ્યારે ખરેખર ટેન્ડર પ્રમાણે 60 ફૂટ ઊંડાઈનો કૂવો હોવો જોઈએ.પરંતુ માર્ચ 2025 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ ન હોય ગ્રામજનોને પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થયેલ હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળે છે. હાલ તંત્ર દ્વારા આ કૂવામાં નળ સે જલ યોજના હેઠળ ગ્રામજનોને પાણી પૂરું પાડવા માટે મોટરો પણ મૂકી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરંતુ નિયમોનુસાર આ કુવાની કામગીરી કરવામાં આવેલ નથી તે તંત્રને ધ્યાને કેમ ન આવ્યું તેમજ તેમજ દેખાવ પૂરતી ઊંડાઈના કૂવામાં પાણી ક્યાંથી આવશે?તેવો ગ્રામજનોમાં પ્રશ્ન સર્ચાઇ રહ્યો છે.
કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરીની શરૂઆત કર્યા બાદ અધૂરી છોડી દેવાતા તે બાબતે સલિયાટાના વાલાભાઈ ચરપોટ,જમનસિંહ ચરપોટ તથા જેઠાભાઈ ચરપોટનાઓ દ્વારા કૂવાની કામગીરી પૂર્ણ કરવા કાર્યપાલક ઇજનેર,પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દાહોદ તેમજ તેમના નિયંત્રણ હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા સબ ડિવિઝન ઝાલોદને અનેક વાર રજૂઆતો કરવા છતાં કામગીરીની શરૂઆત કરવામાં આવી ન હતી.તેમજ કોન્ટ્રાક્ટરનો પણ ગ્રામજનોએ રૂબરૂ સંપર્ક કરી કૂવાની કામગીરી પૂર્ણ થાય તેના માટે જણાવવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ઉડાઉ જવાબ આપી તમારે મારા વિરુદ્ધમાં કલેકટર,મંત્રી કે મુખ્યમંત્રી જેને મળવું હોય તેને મળવાની છૂટ છે.તેવા જવાબો આપી ગ્રામજનો સાથે
મનમાની કરાતા અરજદાર દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.જેથી 26 માર્ચ 2025 ના રોજ ફતેપુરા મામલતદાર કચેરી ખાતે દાહોદ જિલ્લા ડી.ડી.ઓ ની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદાર દ્વારા રજૂઆત કરાતા દાહોદ જિલ્લા ડી.ડી.ઓ દ્વારા આ કુવાની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે અને વહેલી તકે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.