
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ગઢરા જંગલ ખાતામાં છૂટક મજૂરી કરતા શ્રમિકોને એક વર્ષથી મજૂરીના નાણાં માટે ધરમ ધક્કા ખવડાવતા જવાબદારો!*
*ગઢડા જંગલમાં છૂટક મજૂરી કરી ચૂકેલા શ્રમિકોને મજૂરીના નાણાં આપવા જંગલ ખાતાના વોચમેન દ્વારા દરમ્યાનગીરી કરાતા છૂટો કરવાની અપાતી ધમકી?*
સુખસર,તા.22
અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા શ્રમિક લોકો સ્થાનિક જગ્યાએ મજૂરી નહીં મળતા બાળ બચ્ચાઓ સાથે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જઈ રોજીરોટી રળતા હોય છે.કેટલીક સ્થાનિક જગ્યાએ રોજગારી મળતી હોય ત્યાં ખાનગી કે સરકારી જવાબદારો શ્રમિક લોકોનું શોષણ કરતા હોય અન્ય જિલ્લાઓમાં ઘરબાર છોડી મજૂરીની શોધમાં નીકળી જવું મુનાસીબ માનતા શ્રમિક લોકો બાળ બચ્ચાઓ સાથે હિજરત કરી જાય છે.જેના લીધે દાહોદ જિલ્લાનો ભૌગોલિક વિકાસ રૂંધાઇ રહ્યો છે.તેવી જ રીતે ફતેપુરા તાલુકાના ગઢડા જંગલ ખાતામાં એક વર્ષ અગાઉ મજૂરી કરી ચૂકેલા મજૂરોને મજૂરીના નાણા આપવા જવાબદાર અધિકારીઓ દ્વારા ધરમ ધક્કા ખવડાવાતા હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના ગઢરાના જંગલમાં જંગલની આસપાસ રહેતા અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચાલવતા શ્રમિકોને છેલ્લા એક વર્ષથી ગઢડા જંગલ ખાતામાં કરેલ મજૂરી કામનુ મહેનતાણું નહી ચુકવતા શ્રામિકો કફોડી હાલતમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે.ગઢરાના કુપ નંબર 9 માં વર્ષ 2024-25 માં આસપાસના શ્રમિકો દ્વારા 8880 ખાડાઓ ખોદાવ્યા હતા.શ્રામિકો પાસે નવા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવા માટે ખાડા કરાવી રોપા રોપવાની કામગીરી તેમજ રોપા રોપાવ્યા બાદ રોપાઓનો સારી રીતે વિકાસ થાય તેના માટે રોપાઓ આસપાસમાં ગોડ પણ કરાવી હતી.તેમજ રોપાઓના ઉછેર માટે પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો હતો.અને તેની જળવણીના ભાગ રૂપેતે રોપાનું વિડિંગ પણ શ્રમિકો પાસે કરાવ્યું હતું. આ કામગીરી કરાવ્યા બાદ ફતેપુરા રેન્જના જવાબદારો દ્વારા શ્રમિકોને થોડી રકમ આપી બાકીની રકમ એક વર્ષ સુધી નહીં આપતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયેલા છે.જયારે આર.એફ.ઓ દ્વારા શ્રામિકોએ કરેલ ખાડા નાના લાગતા ફરીથી ખાડાને ઊંડા કરવા માટે પણ કહ્યું હતું અને મજૂરોએ તે કામ પણ કર્યું હતું. ત્યારબાદ આ કામગીરી પૂર્ણ કર્યા બાદ શ્રમિકો દ્વારા મજૂરીના નાણાંની અનેક વાર માંગણી કરવામાં આવી હતી.પરંતુ નાણાં નહીં મળતાં ગઢડા જંગલ ખાતામાં વોચમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા મજૂરોને નાણાં ચૂકવી આપવા જણાવતા આર.એફ.ઓ દ્વારા વોચમેનને છુટા કરી દેવાની ધમકી તેમજ બિભત્સ ગાળો પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ વોચમેન દ્વારા કરવામાં આવ્યો છે.જયારે શ્રમિકો દ્વારા પણ આર.એફ.ઓ તેમજ બીટ ગાર્ડને પોતાની કરેલ મજૂરીના નાણાં વહેલી તકે ચૂકવી આપવા જણાવવા છતાં વિવિધ બહાના હેઠળ છેલ્લા એક વર્ષથી શ્રમિકોને ધરમ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ શ્રમિકો કરી રહ્યા છે.
ઉપરોક્ત બાબતે જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે અને એક વર્ષથી ધરમ ધક્કા ખાતા શ્રમિક લોકોને તેમની મજૂરી કામના નીકળતા નાણા વહેલી તકે ચૂકવી આપવામાં આવે તેવી શ્રમિકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.