
દાહોદ શહેરમાં તસ્કરોનો આતંક:બે દુકાનોના તૂટ્યા તાળા
રાત્રીના અંધારામાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરી પોલીસના ફેંક્યો પડકાર..
દાહોદ શહેરમાં પોલીસ ચોકી સામે જવેલર્સની દુકાનમાં ચોરીનો પ્રયાસ: પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધજાગરા
ગૌશાળા ખાતે મેડીકલ સ્ટોર ને પણ નિશાન બનાવતા તસ્કરો..
દાહોદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ગુનાખોરીનો ગ્રાફ વધ્યો:પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ..
બે દિવસ આગાઉ પણ મોબાઈલ પર વાત કરતી મહિલાના મોબાઈલની ચીલઝડપની ઘટના
બન્ને ઘટનાઓ CCTV કેમેરામાં કેદ છતાંય પોલીસના હાથ ખાલી
દાહોદ તા. 09
દાહોદ શહેરમાં ગત રાત્રીના સમયે ચોરીના ઈરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ શહેરના બે જુદાજુદા વિસ્તારમાં આવેલી બે દુકાનોને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ બંન્ને દુકાનોમાંથી કોઈ માલમત્તાની ચોરી ન થતા વેપારી સહીત પોલીસે હાશકારો અનુભવ્યો છે. પરંતુ ચોરીની આ બંને ઘટના દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણકારી પ્રાપ્ત થઇ છે.
દાહોદ શહેરમાં પોલીસ તંત્ર માટે વાહન ચોરી પહેલેથી જ માથાના દુખાવા સમાન સાબિત થઇ રહી છે. જેને ઉકેલવામાં પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. ત્યારબાદ પણ વાહન ચોર ટોળકી દાહોદ પોલીસની નાઈટ પેટ્રોલીંગ વચ્ચે બિન્દાસપણે વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહી છે તેવા સમયે છેલ્લા બે-ત્રણ દિવસથી દાહોદ શહેરમાં ગુનાખોરીનું ગ્રાફ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરાત્રીના સુમારે ચોરીના ઈરાદે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોર તેમજ ગૌશાળા સ્થિત સોના-ચાંદીની દુકાનમાં તસ્કરોએ શટરો તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ બંન્ને દુકાનોમાંથી કોઈપણ સામાન ચોરી થઇ હોવાનું હાલ બહાર આવ્યું નથી. જેને લઇ વેપારી તેમજ પોલીસે રાહતનો દમ લીધો છે. જોકે આ બન્ને ઘટનાઓ નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ બનાવ સંદર્ભે દાહોદ ટાઉન પોલીસ મથકે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. જોકે ટાઉન પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી આ બંને જગ્યાએ ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડવાનો પગેરૂ શોધવામાં જોતરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ગોદીરોડ વિસ્તારમાં બે દિવસ અગાઉ પણ મોબાઈલ પર વાત કરતી મહિલાના હાથ માંથી મોબાઈલ ઝૂટવી બાઈક સવાર યુવકો ભાગી ગયાની ઘટના બની હતી અને તેનામાં પણ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હાલ શહેરમાં ગુનાખોરીના બનાવોને ગંભીરતાથી લઇ નક્કર કામગીરી કરી તસ્કરોને ઝડપી પાડવાની માંગણી દાહોદ શહેરવાસીઓમાં પ્રવર્તમાન સંજોગોમાં ઉઠવા પામી છે.