
ઝાલોદ-લીમડીમાં નશાનો નાશ: 44 લાખથી વધુની કિંમતની 20 હજારથી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું
દાહોદ તા.11
ઝાલોદ અને લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા છ મહિનામાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. કોર્ટની મંજૂરી બાદ રાજપુર મેદાન ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝાલોદ પોલીસ સ્ટેશનમાંથી 25.35 લાખની કિંમતની 9,415 બોટલ અને લીમડી પોલીસ સ્ટેશનમાંથી 18.79 લાખની કિંમતની 11,069 બોટલનો નાશ કરાયો છે. કુલ મળીને 44.14 લાખની કિંમતની 20,484 દારૂની બોટલો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ ડી.આર.પટેલ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એ.કે.ભાટીયા અને નશાબંધી આબકારી અધિકારી ડી.પી.બામણીયાની અધ્યક્ષતામાં ટીમ ઉપસ્થિત રહી હતી. આ કાર્યવાહી 1 જુલાઈથી 31 ડિસેમ્બર 2024 દરમિયાન પકડાયેલા દારૂના કેસોને લગતી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદે દારૂના વેચાણ સામે કડક વલણ દર્શાવે છે. આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.