
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બી.એસ.એન.એલ ટાવરના ધાંધિયાથી મોબાઈલ ધારકોની મુશ્કેલી દૂર કરવા માંગ*
*બી.એસ.એન.એલ સીમકાર્ડ તરફ આકર્ષાયેલા મોબાઈલ ધારકો નેટવર્કના અભાવે અન્ય કંપનીના સીમકાર્ડ વાપરવા મજબૂર બને તે પહેલા જવાબદારો ધ્યાન આપે તે જરૂરી*
સુખસર,તા.27
ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મોબાઇલ ટાવર કંપનીઓ કાર્યરત છે.અને નિયમિતપણે નેટવર્ક સેવા આપી રહી છે.તેમાં બીએસએનએલ કંપનીનો પણ સમાવેશ થાય છે.પરંતુ બીએસએન એલ સેવાના જવાબદાર કર્મચારીઓ દ્વારા સુખસર પંથક પ્રત્યે બેદરકારી દાખવાતા બીએસએનએલ સેવા મેળવવા માંગતા મોબાઈલ ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે સુખસર પંથકમાં વારંવાર ખોટકાતી બીએસએનએલ સેવામાં સુધાર લાવી ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના બી એસ એન એલ નેટવર્ક મળી રહે તેનું ધ્યાન તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ છે.
જાણવા મળેલી વિગતો મુજબ હાલના સમયમાં અનેક મોબાઈલ ટાવર કંપનીઓ અન્ય કંપનીની આગળ નીકળવા હરિફાઈ ચાલતી હોય તેવી રાજ્ય સહિત દેશમાં પરિસ્થિતિ નિર્માણ થયેલ છે.ત્યારે આ હરીફાઈમાં સરકારી સાહસ દ્વારા ચાલતી બીએસએનએલ કંપની પણ પછાત રહે નહીં તે હેતુથી અન્ય કંપનીની દ્રષ્ટિએ બીએસએનએલ કંપની દ્વારા સસ્તી સેવા આપવા માં આવી રહી છે. અને તે આવકાર્ય પણ છે.જોકે મોટાભાગના લોકોએ પહેલેથી જ બીએસએનએલ સીમકાર્ડ વાપરવાનો આગ્રહ રાખેલો છે.જ્યારે બીએસએનએલ સેવા નિરંતર ચાલુ રાખવા અને તેના વપરાશના દર અન્ય કંપનીની હરોળમાં સસ્તા હોવાનું જણાતાં અનેક લોકોએ અન્ય કંપનીના સીમકાર્ડને બીએસએનએલ માં તબદિલ કરી સેવા મેળવવા તત્પર બન્યા છે.અને આ બાબત યોગ્ય પણ છે.
પરંતુ સુખસર સહિત પંથકમાં બીએસએનએલ સેવા અવાર-નવાર ખોટકાઈ જતા બીએસએનએલ સીમ ગ્રાહકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.જો કે હાલમાં પણ સુખસર પંથકમાં છેલ્લા ચારેક દિવસથી બીએસએનએલ નેટવર્ક બંધ છે.ત્યારે આ કંપનીના સીમકાર્ડ વાપરતા લોકોને પોતાના અનેક કામકાજ માટે મુશ્કેલી પડતા ત્રાહિમામ પોકારી રહ્યા છે.જોકે આ બાબતે બીએસએનએલ ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે કમ્પ્લેન કરવા મોબાઈલ દ્વારા સંપર્ક કરવા જતા ત્યાંના નંબર લાગ્યા પહેલા ફોન કટ થઈ જાય છે.ત્યારે બીએસએનએલ ગ્રાહકો પોતાની કમ્પલેન કે ફરિયાદ નોંધાવે તો કોના પાસે જાય?તે પણ એક પ્રશ્ન છે.
સુખસર ખાતે વર્ષોથી બીએસએનએલ ટાવર આવેલ છે. આગાઉ આ ટાવરની નેટવર્ક સેવા રેગ્યુલર ચાલતી હતી.અને તેવા સમયે બીએસએનએલ સ્ટાફ પણ ઓફિસમાં નિયમિત હાજર રહેતા બીએસએનએલ સેવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાતા ત્વરિત દૂર કરવામાં આવતી હતી.પરંતુ હાલ સુખસર ખાતે આવેલ બીએસએનએલ ઓફિસમાં કોઈ કર્મચારી હાજર રહેતા નથી.જ્યારે આ ઓફિસની નજીકમાં આવેલ બીએસએનએલ ટાવર પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવતા બીએસએનએલ સેવા સાથે સંકળાયેલા અને આકર્ષાયેલા મોબાઈલ ધારકો નેટવર્કના અભાવે અન્ય કંપનીના સીમકાર્ડ વાપરવા મજબૂર બને તે પહેલા જવાબદાર અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી બીએસએનએલ ના ગ્રાહકોની તીવ્ર માંગ ઉભી થવા પામી હોવાનું જાણવા મળે છે.