
રાજેશ વસાવે :- દાહોદ
*આજથી પ્રારંભ થતી એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ*
*કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે*
*દાહોદ જિલ્લામાં કુલ ૩૬ કેન્દ્રો ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૫૧ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા*
દાહોદ તા. 27
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજરોજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, દાહોદની સેન્ટ સ્ટીફન્સ સ્કૂલ ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ.એલ.દામાં સહિતનાં અધિકારીશ્રીઓએ ચોકલેટ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે એ કહ્યું હતું કે, દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૩૬ કેન્દ્રો ખાતે ૫૧ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓનીની પરીક્ષા લેવાશે. બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામના પાઠવું છું. ઉપરાંત વિધાર્થીઓને કઈ અગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા દરમ્યાન સતત વીજપુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ના કુલ ૩૫૦૧૦ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૩૬ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૧૪૪૯૫ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૩૬ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૧૬૬૨ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૩ કેન્દ્રોમાં લેવાશે. આમ, જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૫૧૧૬૭ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૩૯ કેન્દ્રોમાં ૧૨૨ બિલ્ડિંગ્સના ૧૭૭૭ બ્લોક અંતર્ગત લેવાશે.
૦૦૦