
રાજેશ વસાવે :- દાહોદ
*ગરબાડાના છરછોડા ગામના પ્રગતિશીલ ખેડૂતશ્રી ચંદુભાઈ ભાભોર દ્વારા અન્ય ખેડૂતોને અપાતી પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ*
*આત્મા પ્રોજેક્ટ સહિત ખેતીવાડી અને બાગાયતી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા તાલીમો અને શિબિરો યોજવામાં આવે છે.*
દાહોદ તા. ૧૨
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે, ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી મળી રહે તે હેતુથી પ્રાકૃતિક ખેતી વિષે જાણકારી આપવા માટે વિવિધ તાલીમો તેમજ શિબિરોના આયોજન થકી માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
દાહોદ જિલ્લાની વાત કરીએ તો રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામના આદિવાસી પ્રગતિશીલ ખેડૂતશ્રી ચંદુભાઈ ભાભોર પ્રાકૃતિક ખેતી કરીને આટલા વર્ષોમાં સફળતા મેળવી છે તે અનુભવે તેઓ અન્ય ખેડૂતોને પણ ક્લસ્ટર દીઠ અન્ય ગામમાં જઈને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધવા સાથે વધુને વધુ કૃષકો જોડાઇ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વિવિધ શાકભાજી અને ફળોનુ વાવેતર કઈ રીતે કરી શકાય. કૃષિ પદ્ધતિથી વિવિધ શાકભાજી, અનાજ અને ફળોનુ વાવેતર કઈ રીતે કરી શકાય તેની જાળવણી કરવા તેમજ કુદરતી ખાતર બનાવવા વિશે પ્રગતિશીલ ખેડૂતશ્રી ચંદુભાઈ ભાભોર વિસ્તાર પૂર્વક સ્થાનિક ભાષા વડે અન્ય ખેડૂતોને સમજાવી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની હાકલ કરી રહ્યા છે. આત્મા પ્રોજેક્ટ સહિત ખેતીવાડી અને બાગાયતી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં ખેડૂતોને પ્રોત્સાહન આપવા તાલીમો અને શિબિરો યોજવામાં આવે છે
૦૦૦