Wednesday, 22/01/2025
Dark Mode

ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના કરવામાં આવતા સર્વેનો ગેરલાભ ઉઠાવી સૂચિત લાભાર્થીઓ પાસેથી નાણા પડાવતા તકવાદી તત્વો*

January 21, 2025
        363
ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના કરવામાં આવતા સર્વેનો ગેરલાભ ઉઠાવી સૂચિત લાભાર્થીઓ પાસેથી નાણા પડાવતા તકવાદી તત્વો*

બાબુ સોલંકી :- સુખસર 

*ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના કરવામાં આવતા સર્વેનો ગેરલાભ ઉઠાવી સૂચિત લાભાર્થીઓ પાસેથી નાણા પડાવતા તકવાદી તત્વો*

*ફતેપુરા તથા સંજેલી તાલુકાના અનેક ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી તકવાદી તત્વો રૂપિયા 200 થી રૂપિયા 1000 સુધી પડાવતા હોવાની બૂમો*

*બની બેઠેલા ગામના તકવાદી આગેવાનો દ્વારા આવાસ યોજનાનો લાભ અપાવવાના બહાના હેઠળ નાણા પડાવાતા હોવાની ચર્ચા*

સુખસર,તા.21

 

ફતેપુરા તથા સંજેલી તાલુકામાં અનેક પરિવારો ગરીબીમાં જીવન વિતાવી રહ્યા છે.જે પૈકી કેટલાક લોકોને પોતાના ઘરનું ઘર નથી અથવા તો ઘર હોય તો ખંડીયેર રહેવા લાયક ન હોય તેવી અનેક લોકોની પરિસ્થિતિ છે.ત્યારે આવાસ યોજનાની સહાય આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવી રહ્યું છે.અને આ કરવામાં આવતા સર્વેમાં સ્થાનિક કેટલાક બની બેઠેલા ગામ આગેવાનો દ્વારા ગરીબ સૂચિત લાભાર્થીઓ પાસેથી નાણાં પડાવાઇ રહ્યા હોવાની ફતેપુરા,સંજેલી તાલુકામાં બૂમો ઉઠવા પામેલ છે.

            જાણવા મળેલ વિગતો મુજબ હાલ ફતેપુરા તથા સંજેલી તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થીઓ માટે સર્વે કરવામાં આવી રહ્યું છે.જેમાં કાચા મકાનોમાં રહેતા લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા સરકારે ઠરાવેલ છે.આ સર્વે તલાટી કમ મંત્રી તથા તાલુકાના કર્મચારઓ દ્વારા કરવામાં રહ્યું હોવાનું જાણવા મળે છે.તેમજ આવાસ યોજનાના સર્વે માટે જે-તે લાભાર્થીએ પોતાના ડોક્યુમેન્ટ આપવાનો હોય છે.પરંતુ કોઈપણ જાતના નાણા આપવાના હોતા નથી.તેમ છતાં કેટલીક ગ્રામ પંચાયતોને બાદ કરતા તાલુકાના અનેક ગામડાઓમાં આ સર્વે કરતા કર્મચારી સાથે ફરતા જે-તે ગામના બની બેઠેલા આગેવાનો દ્વારા રૂપિયા 200 થી રૂપિયા 1000 સુધી પડાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.

        અહીંયા જણાવવું જરૂરી છે કે, જે-તે ગામમાં તલાટી કમ-મંત્રી કે તાલુકાના નિમેલા કર્મચારી દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સર્વે કરવામાં આવી રહ્યું છે.તેમ છતાં આ કર્મચારીઓ ગામમાં જ્યાં-જ્યાં સર્વે કરવા જાય છે ત્યાં તકવાદી તત્વો આ કર્મચારીઓની સાથે ફરતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે. કેટલીક ગ્રામ પંચાયતોને બાદ કરતાં અનેક ગામડાઓમાં આવાસ યોજનાનો લાભ આપવાના બહાના હેઠળ નાણાની માંગણી કરતા હોવાની ચર્ચા પણ અનેક ગામડાઓમાંથી ઉઠી રહી છે.તેમજ આ કરવામાં આવતું સર્વે સરકારમાં જાય અને ત્યાંથી પસંદગી પામી જે-તે લાભાર્થીને લાભ આપવામાં આવે તેમાં કોઈ કહેવાતા ગામ આગેવાન કે અન્ય વ્યક્તિ ને કોઈ લેવાદેવા કે સરકાર સામે ચાલતું હોતું નથી તેમ છતાં ગરીબ,અભણ,ગરજાઉ લોકોને ગેરમાર્ગે દોરી સ્થાનિક તકવાદી તત્વો ગરીબોનો ગેરલાભ ઉઠાવવા આગેવાની કરી રહ્યા હોવાની બુમો ઉઠવા પામેલ છે.

        ઉલ્લેખનીય બાબત છે કે,હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે ચાલી રહ્યું છે.તેમાં કેટલાક પાકા મકાનો વાળા લોકો અન્યના કાચા મકાનો સાથે ફોટા પડાવી રહ્યા હોય ખરેખર જે સાચા લાભાર્થીઓને આ લાભ મળવા પાત્ર હોય તેમની સાથે અન્યાય થતો હોવાની બૂમો પણ ઉઠવા પામેલ છે.ત્યારે કોઈ તકવાદી વ્યક્તિની શેહ શરમમાં આવ્યા વિના નિષ્પક્ષ પણે ખરેખર જે ગરીબ પરિવારને લાભ મળવા પાત્ર હોય તેવા લોકોનુ જ સર્વે કરવામાં આવે તે ખાસ જરૂરી છે.

        અત્રે નોંધનીય છે કે,હાલ અનેક પરિવારો કાચા ઝુંપડાઓમાં સંયુક્ત રીતે વસવાટ કરી રહ્યા છે.અને તેઓને વહેલી તકે આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ તેમાં બેમત નથી.પરંતુ ફતેપુરા તાલુકામાં વર્ષ 2019 માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનું સર્વે કરવામાં આવ્યું હતું.અને સર્વે થયા બાદ છ વર્ષ જેટલો સમય વિતવા છતાં આજ દિન સુધી કરવામાં આવેલ સર્વેના કોઈ લાભાર્થીને આજ દિન સુધી આવાસ યોજનાની સહાયનો લાભ મળ્યો નહીં હોવાની તાલુકા કક્ષાના એક જવાબદાર અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું.

        અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,જે ગામમાં જાગૃતિ હોય તેવી ગ્રામ પંચાયતોમાં આવાસ યોજનાના સર્વેના નામે તકવાદી તત્વો ગેરકાયદેસર નાણા ઉઘરાવવા હિંમત કરતા નથી.પરંતુ હાલ આવાસ સર્વેના નામે જે નાણાં ઉઘરાવવાની ચર્ચાઓ ચાલી રહી છે તે બાબત કલ્પના કે આક્ષેપ નહીં પરંતુ સત્ય હકીકત હોવાના અણસાર પણ આવી રહ્યા છે. અને તેમાં ક્યાંક ને ક્યાંક સત્ય પણ છુપાયેલું હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે તાલુકા-જિલ્લાના લાગતા વળગતા અધિકારીઓ તે પ્રત્યે ધ્યાન આપે અને ગરીબ લોકો ગેરમાર્ગે દોરવાઇ તકવાદી તત્વોનો શિકાર બને નહીં તે બાબતે સજાગતા રાખવાની જરૂરત જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!