રાજેશ વસાવે :- દાહોદ
*આદિવાસી સમાજ ના આગેવાન સ્વ શ્રી વી એમ પારગી સાહેબ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે યોજાયેલી શોકસભા*
દાહોદ તા. ૧૨
આદિવાસી સમાજ ના લોકપ્રિય પ્રતિભાશાળી IPS અધિકારી અને પૂર્વ ADGP શ્રી વી એમ પારગી સાહેબ નું તા. ૪.૧.૨૦૨૫ ના રોજ અવસાન થયું હતું. તેમના અવસાન થી દાહોદ પંચમહાલ અને મહીસાગર જીલ્લા નો સમગ્ર આદિવાસી સમાજ ઉંડા શોકમાં ડૂબી ગયો છે.
શ્રી પારગીએ IPS અધિકારી તરીકે એક નિડર, મક્કમ, નિષ્ઠાવાન અધિકારી તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી હતી. તેઓ હંમેશા આદિવાસી સમાજ ને જ્ઞાનવાન બળવાન અને ધનવાન બનાવવા માટે ના વિચારો ધરાવતા હતા તથા નિવૃતિ બાદ તેમણે આદિવાસી સમાજ માટે કામ કરવાના હેતુથી દાહોદ ખાતે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન ની સ્થાપના કરવામાં પણ નેતૃત્વ પ્રદાન કર્યું હતું. તેના કારણે આદિવાસી સમાજ ના આગેવાનો એક સાથે મળીને સમાજના પ્રશ્નોની ચિંતા કરતા થયા હતા. અવસાન સમયે તેઓ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના કુશળ અને દૂરંદેશી નેતૃત્વમાં બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ દ્વારા ભીલ સમાજ નું લગ્ન બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેમની આગેવાની હેઠળ ભીલ સમાજ પંચ ની રચના પણ થઈ હતી. તેમણે ડો. જયપાલ મુંડા આદિવાસી ખેલ મહોત્સવનું આયોજન, ગ્રંથાલય ની શરૂઆત, કોચીંગ ક્લાસ ની શરૂઆત, સમાજના કર્મઠ આગેવાનો નું સમાજરત્નો તરીકે સન્માન, યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન તથા નોકરીઓ માટે ઈન્ટરવ્યુ ગોઠવીને અનેક યુવાનો ને ખાનગી કંપનીઓ માં નોકરીઓ અપાવી હતી. શોકસભા માં શ્રી આર એસ નિનામા IAS, શ્રી બી બી વહોનિયા IAS Rtd, ડો. અનિલ બારિયા, શ્રી સી આર સંગાડા, શ્રી બીડી બારિયા, શ્રી એન કે પલાસ IPS Rtd, શ્રી કનૈયાલાલ કિશોરી માનનીય ધારાસભ્ય શ્રી દાહોદ, શ્રીમતી ડો. પ્રભાબેન તાવિયાડ, ડો. મિતેષ ગરાસિયા, શ્રી રાજુભાઈ વળવાઈ, શ્રી શૈલેષ ભાઈ મખોડિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી પારગી સાહેબ ની જીવનભરની ઘટનાઓ અને કામગીરીનો તથા પ્રેરક અનુભવોને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સૌએ તેમના જીવન અને અનુભવો પરથી પ્રેરણા મેળવીને સમાજનાં અધૂરાં રહેલાં કાર્યો આગળ ધપાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.શ્રી વી એમ પારગી સાહેબ ની યાદમાં દર વર્ષે તેમના અવસાન ની તારીખને *જ્ઞાનદિવસ* તરીકે મનાવવાનો તથા આ દિવસે સમાજના ટેલન્ટેડ વિધ્યાર્થીઓ ની ઓળખ કરીને પ્રથમ નંબરને રૂ. ૧૧,૦૦૦,બીજા નંબરને રૂ. ૮,૦૦૦,ત્રીજા નંબરને રૂ. ૫૦૦૦ ની સ્કોલરશિપ કાયમી ધોરણે આપવાનો બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ દ્વારા નિર્ણય લેવાયો હતો. કાર્યક્રમ ની શરૂઆત અને અંત માં બે બે મિનિટ નું મૌન પાળવામાં આવ્યું હતું.