બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ સ્પંદના સ્ફુર્તી ફાયનાન્સ લિમિટેડના કર્મચારીઓ દ્વારા લોન ગ્રાહક મહિલાઓ સાથે થતી છેતરપિંડીની તપાસ કરવા માંગ*
*લીધેલ લોનના માસિક હપ્તા ભરપાઈ કરી દીધા બાદ પણ ફાઇનાન્સના કર્મચારી દ્વારા નાણા બાકી હોવાનું જણાવતા મહિલાઓ મૂંઝવણમાં*
*ફાઇનાન્સના કર્મચારી દ્વારા છેતરપિંડીનો શિકાર બનેલા મહિલાના પતિએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી*
સુખસર,તા.9
ફાઇનાન્સ દ્વારા મહિલાઓને માસિક હપ્તાથી અને ઓછા વ્યાજથી લોન આપવાનું કાર્ય કરતી અનેક ફાઇનાન્સ કંપનીઓ કાર્યરત છે.અને મોટાભાગની લોન આપતી ફાઈનાન્સ કંપનીઓ પ્રમાણિકતાથી કામ કરે છે. પરંતુ આ કંપનીઓમાં કામગીરી સંભાળતા કેટલાક રિકવરી કરતા કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારની ભોળી મહિલાઓ સાથે છેતરપિંડી કરવાના કિસ્સા પણ બની રહ્યા છે.અને તેવોજ કિસ્સો સુખસરમાં બનતા છેતરપિંડીનો શિકાર બનેલી મહિલાના પતિએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ મારગાળા ક્રોસિંગ પાસે સ્પંદના સ્ફુર્તી ફાઇનાન્સ લિમિટેડ નામે લાંબા સમયથી કંપની કાર્યરત હતી.અને આ ફાઇનાન્સ કંપની હાલ સુખસરમાં આફવા રોડ ઉપર કાર્યરત છે.આ કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને માસિક હપ્તે અને ઓછા વ્યાજથી લોન આપવાની કામગીરી કરે છે.આ કંપની માંથી ગત દોઢ વર્ષ અગાઉ નાનાબોરીદાના ભાભોર ઈલાબેન વિનેશભાઈના ઓએ રૂપિયા 30900 લોન લીધેલ હતી.અને લોન લીધા બાદ દર પંદર દિવસે રૂપિયા 980 ભરપાઈ કરતા આવેલા હતા. અને લીધેલ લોનના પૂરેપૂરા હપ્તા ફાઇનાન્સના રિકવરી કરતા પ્રકાશભાઈ નામના બ્રાન્ચ મેનેજર પાસે ભરપાઈ કરી આ લોન પૂરી કરી દેવામાં આવી હતી.તેમજ હવે કોઈ નાણા બાકી રહેલ ન હતા. પરંતુ હાલ ઇલાબેનના પતિ વિનેશભાઈને ફાઇનાન્સના કર્મચારી દ્વારા જણાવવામાં આવેલ કે, હજી તમારે રૂપિયા 5444 ભરપાઈ કરવાના બાકી છે.તે ભરો તેવું જણાવવામાં આવી રહ્યું છે.
જ્યારે બીજો કિસ્સો જોઈએ તો આ જ ફાઇનાન્સ માંથી ડબલારા ગામના બારીયા અનિલાબેન કલ્પેશભાઈ નાઓએ દોઢ વર્ષ અગાઉ રૂપિયા 45000 લોન લીધેલ હતી અને તેઓએ માસિક હપ્તાના રૂપિયા 2240 ભરપાઈ કરતા આવેલ છે તેમજ હાલ સુધીમાં 11 હપ્તા ભરપાઈ કરી ચૂકેલા છે.છતાં હાલ સ્પંદના ફાઇનાન્સ સુખસર ખાતે તપાસ કરતા અનિલાબેન બારીયાના લોનના નાણાના માત્ર બે જ હતા ભરપાઈ થયા હોવાનું અને બીજા 9 હપ્તા બાકી હોવાનુ જણાવવામાં આવે છે.ત્યારે 9 હપ્તાના રૂપિયા 20,160 ગયા ક્યાં તે એક સવાલ છે.જોકે આ બે કિસ્સા એક નમૂનારૂપ છે.પરંતુ આવી રીતે અનેક મહિલાઓ સાથે ફાઇનાન્સ ના કર્મચારીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે.ત્યારે તેની તટસ્થ તપાસ આવશ્યક જણાય છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, અગાઉ સ્પંદના સ્ફૂર્તિ ફાઇનાન્સ લિમિટેડ નામની ફાઇનાન્સ કંપની સુખસરના મારગાળા ક્રોસિંગ પાસે કાર્યરત હતી.પરંતુ આ ફાઈનાન્સના મકાનની બદલી કરી હાલમાં સુખસરમાં આફવા રોડ ઉપર કાર્યાલય કાર્યરત છે.
જ્યાં જઈ લોન ધારક મહિલાઓએ પૂછપરછ કરતા આ ફાઇનાન્સમાં ઓફિસ મેનેજર તરીકે કામગીરી કરતા વ્યક્તિ દ્વારા મહિલાઓને જણાવવામાં આવે છે કે, આગાઉ અમારી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા બ્રાન્ચ મેનેજર પ્રકાશભાઈ ની બદલી થઈ ગઈ છે.અને હાલ તેઓ અહીંયા નથી.અને તેઓએ તમારા નાણાં રિકવર કરી કંપનીમાં ભરપાઈ કર્યા ન હોય તેવું બની શકે.પરંતુ તમારે અમારી કંપનીમાં બાકી બોલતા નાણા ભરપાઇ કરવા જ પડશે તેવું જણાવાઈ રહ્યું છે.ત્યારે જે-તે ફાઇનાન્સ કંપની દ્વારા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે તેમજ તેની અન્ય જગ્યાએ બદલી થાય છે ત્યારે મહિલાઓને છેતરપિંડીનો શિકાર બનાવી જતા રહેતા ફાઇનાન્સના કર્મચારી ઉપર ફાઇનાન્સની લગામ કેમ નથી? અને મહિલાઓ પાસેથી નાણાં રિકવર કરી જે તે રિકવર કરતા વ્યક્તિ દ્વારા કંપનીમાં નાણા ભરપાઈ કર્યા ન હોય ત્યારે ગ્રામ્ય વિસ્તારની અભણ અબુધ મહિલાઓ ની જવાબદારી કઈ રીતે બની શકે?
ઉપરોક્ત બાબતે વિનેશભાઈ દલસિંગભાઈ ભાભોરે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા જણાવ્યું છે કે સ્પંદના પૂરતી ફાઇનાન્સ લિમિટેડ સુખસર શાખામાં કામગીરી કરતા બ્રાન્ચ મેનેજર પ્રકાશભાઈ તથા સી.એમ ભાનુપ્રસાદ નાઓ ની તપાસ કરી ભરપાઇ કરેલ લોનના નાણાં ફાઇનાન્સમાં ભરપાઈ નહી કરી મહિલાઓ તથા કંપની સાથે છેતરપિંડી કરી હોય મહિલાઓ પાસેથી ઉઘરાવેલ નાણા કંપનીમાં ભરપાઈ કરે તેમ જ તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.