રાજેશ વસાવે :- દાહોદ
*સુશાસન દિવસ – દાહોદ*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના સુશાસન દિવસની ઉજવણી કરાઈ*
*ગુડ ગવર્નર્સની પરિભાષાને સાચા અર્થમાં સાર્થક કરવાની જવાબદારી દરેક કર્મયોગીએ ઉઠાવવાની છે.-નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ*
દાહોદ તા. ૨૫
દાહોદ સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલની અધ્યક્ષતા હેઠળ સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિડિઓ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. મહાન જન નાયક અને ભૂતપૂર્વ વડાપ્રધાન એવા શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિને સમગ્ર દેશમાં ‘સુશાસન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
સુશાસન દિવસની આ ઉજવણી નિમિત્તે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને અનેક વિધ નવીન પ્રકલ્પો તેમજ નવી સેવાઓનો ઈ લોકાર્પણ થકી પ્રારંભ કરાવ્યો હતો. આ દરમ્યાન રાજ્યના તમામ વિકાસલક્ષી કાર્યો દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલએ જણાવ્યું હતું કે, ગુડ ગવર્નર્સની પરિભાષાને સાચા અર્થમાં સાર્થક કરવાની જવાબદારી દરેક કર્મયોગીએ ઉઠાવવાની છે, છેવટના લોકોને પણ સરકારશ્રીની તમામ યોજનાઓની માહિતી એક જ જગ્યાએથી મળે અને લોકો યોજનાઓનો લાભ એક જ સ્થળેથી સરળતાથી લઇ શકે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય કરીને યોજનાઓને સફળ કરવાનું કાર્ય કરવાનું છે.
આ નિમિતે પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, જિલ્લા શિક્ષણધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી સહિત અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦