ગમખવાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ પિતરાઈ ભાઈઓના મોતથી માતમ: ઇજાગ્રસ્તોને વડોદરા ખસેડાયા.
દેવગઢ બારીયાના તોયણીમાં બે મોટરસાયકલ સામસામે અથડાતા કરૂણાંતિકા સર્જાઇ:ત્રણના મોત, ત્રણ ઈજાગ્રસ્ત
દાહોદ તા.04
દેવગઢબારિયા તાલુકાના તોયણી ગામે સાંજના સમયે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાતા કુલ ત્રણ આસસ્પદ યુવાનોના મોત અને ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળેલ છે.
દેવગઢ બારીયા તાલુકાના તોયણી ગામના મઢુલી નજીક ગત રોજ સાંજના સમયે બે મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા પીપલોદ – સિંગવડ રોડ પર ગત મોડી રાત્રે બે મોટરસાયકલ ચાલકો સામસામે આવી જતા અને રસ્તામાં પડેલા ખાડાઓ માં પોતાની ગાડી નહીં પડે અને તે ખાડો બચાવવા જતા ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને અકસ્માત અંગેની જાણ કરતા ઈમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા, જેમાં એક બાઈક પર સવાર ત્રણ આસાસ્પદ યુવકો પૈકી એકનું ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, જ્યારે બીજી બાઈક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. અકસ્માત દરમિયાન બંન્ને મોટરસાયકલ પર ત્રણ ત્રણ લોકો સવાર હતા. જેમાં વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓ સુરેશભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ અને સુખાભાઈ પટેલ નું મોત નીપજ્યું હતું વડેલા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓના મોત નીપજતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે અન્ય મોટર સાયકલ પર સવાર ત્રણ યુવકોને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવાની ફરજ પડી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે પીપલોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.