બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરાના વિવાદાસ્પદ તળાવની જમીનની આખરે સરકારી રાહે માપણી કરવામાં આવી:માપણી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો*
*ફતેપુરા તળાવની વિવાદિત જમીન ની વારંવાર માપણી કરવા છતાં પોતાની દિશા બદલાતી રહેતા અનેક તર્ક વીતર્ક!આ વખતે શું થશે તે જોવાનું રહ્યું*
સુખસર,તા.24
ફતેપુરા કબ્રસ્તાનની સામે આવેલી સરકારી તળાવની જમીનના આજુબાજુના સર્વે નંબર વાળાઓએ વારંવાર દબાણ કરી તળાવની સરકારી જમીન પચાવી પાડવાના કાવતરાઓ કરવામાં આવેલા હતા.તેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધને લઈને ફતેપુરા ગ્રામ પંચાયત ના તલાટી કમ-મંત્રી,વહીવટદાર તેમજ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારીથી લઈ કલેકટર સુધીના અધિકારીઓ આ તળાવની નોંધ લીધી હતી. ગ્રામજનોનો ભારે વિરોધ ઉઠતા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીએ તળાવની માપણી કરવાનો હુકમ કર્યો હતો.જેના હુકમને લઈને આજરોજ ડી.એલ.આર.આઇ શાખામાંથી માપણી કરવા માટે કર્મચારીઓ આવી પહોંચ્યા હતા.માપણી કરવા માટે આવેલા કર્મચારીઓને ફતેપુરા નગરજનોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.વારંવાર માપણી કરવા છતાં તળાવ પોતાની જગ્યા ઉપર નહી રહેતા ક્યારેક પૂર્વમાં તો ક્યારેક પશ્ચિમમાં તો ક્યારેક દક્ષિણમાં તો ક્યારેક ઉત્તરમાં ખસી જવા પામે છે. જેના કારણે આજુબાજુના જમીન માલિકોને નુકસાની વેઠવાનો વારો આવે છે.
જેના કારણે આ વખતે સરકાર દ્વારા ચોક્કસ રીતે અને સચોટ રીતે તળાવની માપણી કરવામાં આવે અને તળાવની સરકારી જમીન ઉપર કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવે તે માટે ફતેપુરા નગરજનો એકઠા થઈને મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.રજૂઆતને પગલે ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા.અને ચોક્કસ અને સચોટ માપણી કરવાની ખાતરી આપી હતી.ખાતરી આપતા માપણી વિભાગ દ્વારા માપણી ચાલુ કરવામાં આવી હતી.ત્યારે આ વખતે તળાવ પોતાની ચોક્કસ જગ્યા ઉપર રહેશે કે કેમ કે કંઈ આઘુ પાછુ તો નહીં થાય ને?તેવા અનેક પ્રશ્નો લોક મુખેથી ચર્ચાઇ રહ્યા હતા.ત્યારે હવે દસ દિવસ પછી રિપોર્ટ આવશે અને તળાવની હદ પાળી નક્કી કરવામાં આવશે ત્યારે હદ પાળી નક્કી કરતી વેળાએ ગ્રામજનોને આગળથી જાણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા છે.