
વડોદરાથી રતલામ વચ્ચે મેમુ ટ્રેનમાં કાળઝાળ ગરમીમાં પંખા વગર મુસાફરો પરસેવે રેબઝેબ
મેઇન્ટેન્સના અભાવે મેમુ ટ્રેનમાં આંતરે દિવસે પંખા,લાઇટ બંધ, ટોઇલેટ અસ્વચ્છ
દાહોદ લાઈવ ન્યુઝ|28
વડોદરાથી દાહોદ સુધી અને ચાલતી મેમુને દાહોદથી ઉજ્જૈન સુધી દોડાવવામાં આવે છે. વડોદરાથી ઉજ્જૈન વચ્ચે બે ભાગમાં ચલાવવામાં આવતી આ મેમુ ટ્રેનનું રેલવે વિભાગ દ્વારા મેન્ટેનેંસ જ નહીં કરવામાં આવતાં તેમાં ક્યારેક પંખા તો ક્યારેક લાઇટની સમસ્યા સર્જાઇ રહી છે.
સફાઇના અભાવને કારણે કેટલાંક કોચના તેના ટોઇલેટ પણ અસ્વચ્છ જોવા મળે છે. શુક્રવારે આ ટ્રેન વડોદરાથી ઉપાડવામાં આવી હતી પરંતુ તેમાં પંખા બંધ જોવા મળ્યા હતાં. જેથી ભર ઉનાળે મુસાફરો ઠંકડ મેળવવા ક્યારેક બારી તરફ ડોકિયા કરતા હતા, તો કોઇક મુસાફરો થોડી-થોડી વારે દરવાજા આગળ જઇને ઉભા રહી જતાં હતાં. બામણિયા ગામના હેમંત જૈને જણાવ્યુ હતુ કે, મારી માતાનું તાજપુરા આંખનું ઓપરેશન કરાવવા ગયો હતો. હું હાલોલથી ચઢ્યો ત્યારથી જ પંખા બંધ હતાં. માતાને કપડાથી હવા કરવી પડી રહી છે. સેવાલિયાના સંજયભાઇએ જણાવ્યુ હતુ કે, ગોધરાથી ઉજ્જૈન જઇ રહ્યો છુ. હું બેઠો ત્યાં પંખા બંધ હતા તો ડબ્બો બદલ્યો હતો પરંતુ ત્યાં પણ પંખા બંધ છે. આખી ટ્રેનમાં પંખા નથી ચાલી રહ્યા.
નાગદાના જફરખાને જણાવ્યુ હતુ કે,તેઓ દરરોજ આ ટ્રેનથી મુસાફરી કરે છે. આંતરે-તીસરે ક્યારેક લાઇટ તો ક્યારેક પંખા બંધ હોય છે. ફરિયાદ કર્યા છતાં કોઇ નિકાલ આવતો નથી. રતલામના શાબાદ ખાને કહ્યુ હતુ કે, પંખા બંધ હોવાની ફરિયાદ ગાર્ડરૂમમાં કરી હતી ત્યારે તેમણે જીએસએમ ખરાબ હોવાને કારણે પંખા બંધ હોવાનું જણાવ્યુ હતું. ગોધરાથી રતલામ જઇ રહેલા દીપક રજવાડીએ હૈયાવરાળ ઠાલવી હતી કે પંખા બંધ હોવા સાથે ટોઇલેટમાં પણ સફાઇ નથી અને પાણી પણ નથી.
માગણી બાદ 8 કોચના 12 કોચ કરાયા વડોદરાથી દાહોદ અને દાહોદથી ઉજ્જૈન જતી આ મેમુમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. તેમાં ખાસ કરીને વેપારીઓ સાથે મધ્ય પ્રદેશ તરફથી દવાખાને આવતાં લોકોની સંખ્યા વધુ હોય છે. આ ટ્રેન 12 કોચથી ચલાવાવમાં આવતી હતી પરંતુ કોરોના કાળમાં તેના કોચ 8 કરી દેવાયા હતાં. માગણીઓ બાદ 12 કોચ કરાયા છે છતાં આ ટ્રેનમાં ભારે ભીડ રહે છે.