
રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સોશ્યલ મીડિયાકર્મીઓ સાથે બેઠક યોજાઈ
કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે એ મુખ્ય હેતુ
દાહોદ તા. ૨૪
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ને ધ્યાને રાખી વહીવટી તંત્ર અનેકવિધ પ્રવૃતિઓ કરીને મતદાન કરવા માટે લોક જાગૃતિ માટેના સંદેશ આપી રહ્યું છે ત્યારે સોશ્યલ મીડિયા પણ એને લઈને કેટલું સતર્ક છે અને એની કામગીરી સાથે સોશ્યલ મીડિયા દ્વારા સમાજ પર પડતા પ્રભાવની સમીક્ષા કરવા માટે કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સોશ્યલ મીડિયાકર્મીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ સોશ્યલ મીડિયાકર્મીઓને સંબોધતાં કહ્યું હતું કે, સોશ્યલ મીડિયા એ કોમ્યુનિકેશન માટેનું સૌથી મોટુ પ્લેટફોર્મ છે. જેનો સામાન્યમાં સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરતો હોય છે. જેથી આવનાર ચૂંટણીને લઇને સમાજના લોકો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી સોશ્યલ મીડિયા એ પણ પોતાના તરફથી કોઈ પહેલ કરવી જોઈએ. સોશ્યલ મીડિયાનો પ્રભાવ સમાજ પર સૌથી વધુ હોય છે. તે જોતાં ચૂંટણી અંગેની જાણકારી સહિત અચૂક મતદાન કરવા માટેનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચી શકે અને જિલ્લાના કોઈપણ મતદાર મત આપવાથી વંચિત રહે નહીં તે માટે મતદાન જાગૃતિ માટે સોશ્યલ મીડિયાથી સમાજ પર હકારાત્મક અસર થાય તેવા શુભ આશયથી તમામ સોશિયલ મીડિયાએ સમાજ પર પડેલા પોતાના પ્રભાવનો સદુપયોગ કરી સૌ મતદારો સો ટકા મતદાન કરે તેવા કન્ટેન્ટ રજૂ કરવા જરૂરી છે.
તેમણે દિવ્યાંગજનો, મહિલાઓ, વયોવૃદ્ધ મતદારો તેમજ પહેલી વાર મત આપનાર મતદારોને કેન્દ્રમાં રાખીને તેમજ સોસાયટીને હાઈ લાઈટ કરીને મતદાન માટેના તેમના પોતાના અભિપ્રાય લઇ મતદાન અંગેની મહત્વતા જણાવી તેઓને મત આપવા પ્રેરિત થાય તેવા કન્ટેન્ટ રેડી કરી અપલોડ કરવા જણાવ્યું હતું.
આ બેઠક દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીસુશ્રી હેતલ વસૈયા, નાયબ માહિતી નિયામકશ્રી સુરેન્દ્રભાઈ બલેવીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એ. એ. બારીયા તેમજ સોશ્યલ મીડિયા ઓપરેટ કરતા સોશ્યલ મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.