#DahodLive#
ફૂટેલાવ તળાવ નજીક છાણા વીણવા ગયેલી ચાર પૈકી બે બાળકીઓને કાળ ભરખી ગયો..
દાહોદ તાલુકાનાં ખરજમા છાણા વીણવા ગયેલી બે બાળકીઓના તળાવમાં ડૂબી જવાથી મોત,
પરિવારજનોના ગમગીની છવાઈ, સ્થાનિક પોલીસ એ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાનાં ખરજમાં હોળીના પર્વ ટાણે એક ચક્ચારી બનાવ સામે આવ્યો છે જેમાં ફળિયામાં રમી રહેલી 4 બાળકીઓ ફૂટેલાવ તળાવમાં છાણા વીણવા ગઈ હતી તે સમયે ચાર બાળકીઓ પૈકી બે બાળકીઓ તળાવ પાસે ખાડામાં લપસી જતા બંને બાળકીઓ ઊંડા પાણીમાં ગરકાવ થતા મોતને ભેટી હતી. આ દરમિયાન બંને બાળકીઓએ બુમાબુમા કરતા ફળિયામાં આવી સમગ્ર ઘટના વિશે જણાવતા ગ્રામજનો તળાવ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને બાળકીઓના મૃતદેહને બહાર કાઢ્યા હતા. દરમિયાન બંને બાળકીઓના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકીઓને મરણ પામેલી અવસ્થામાં બહાર કાઢવામાં આવતા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ખરજ ગામે સુનિતા ખરાડિયા 10 વર્ષ તેમજ સમીરા ખરાડિયા છ વર્ષ તેમજ અન્ય બે બાળકીઓ મળી કુલ ચાર બાળકીઓ સાંજના સમયે ઘરની બહાર રમી રહી હતી આ દરમિયાન ચારે બાળકીઓ ગામના નજીક ફુંટેલાવ તળાવ ખાતે છાણા વીણવા ગઈ હતી ત્યાંથી પરત આવતી વખતે સુનીતા ખરાડિયા તેમજ સમીરા ખરાડીયા નામક બંને બાળકીઓ તળાવ નજીક ખાડામાં લપસી પડતા તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી. આ દરમિયાન અન્ય બે બાળકીઓએ બૂમાબૂબ કરતા જઈ ફળિયામાં પહોંચી હતી. અને ગ્રામજનોને ઘટના વિશે જણાવતા ગ્રામજનો તેમજ બંને બાળકીઓના પરિવારજનો તળાવ ખાતે પહોંચ્યા હતા. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને બાળકીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા આ દરમિયાન પોતાના બંને વહાલસોઈ દીકરીઓને ગુમાવતા પરિવારજનો પર આભ તૂટી પડી હોય તેમ રોક્કળ મચાવતા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ ગ્રામજનો દ્વારા સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બંને બાળકીઓના મૃતદેહને કબજે લઈ પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી સીઆરપીસી 174 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.