
બાબુ સોલંકી :- સુખસર
બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ચલાવતા અંધેર વહીવટથી બેંક ગ્રાહકો ત્રાહિમામ:તપાસની માંગ
બેંકમાં સામાન્ય કામ માટે આવતા ગરીબ લોકો કલાકો કે દિવસો સુધી કતારમાં ઊભા રહેવા છતાં કામો નહીં થતા હોવાની ફરિયાદો
બેંક ઓફ બરોડા સુખસર શાખામાં બાળકોના નવીન ખાતાં ખોલવા રૂપિયા ૨૫૦૦૦ જમા કરવાનું જણાવતા બેંકના સર્વેસર્વા બની બેઠેલા બેંકના ચોકીદાર !
બેંકના કામ અર્થે આવતા ગરીબ અને મહિલાઓ સહિત અશક્ત લોકો લાઈનોમાં જ્યારે પૈસાદાર બેંક ગ્રાહક લોકોને કોઈ નિયમો નડતા નથી?
સુખસર,તા.૧૧
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે બેંકના નામે એક માત્ર બેંક ઓફ બરોડા આવેલી છે.જેમાં ખાસ કરીને આ સ્થાનિક બેંકમાં સુખસર વિસ્તારના ગરીબ ખેડૂતો,મહિલાઓ,અભ્યાસ કરતા નાનાં બાળકો સહિત નોકરીયાત અને ધંધાદારી ઓના હજારો ખાતા આવેલા છે.જ્યાં ખાસ કરીને બેંકના કામ અર્થે આવતા ગરીબ ખેડૂતો. મહિલાઓ સહિત બાળકોને કલાકો કે દિવસો સુધી ભૂખ્યા તરસ્યા લાઈનોમાં ઊભા રહી પોતાનો નંબર આવે તેની રાહ જોતા હોય છે.જ્યારે બીજી બાજુ બેંકના કર્મચારીઓ મનસ્વી વહીવટ ચલાવતા હોવા છતાં પ્રજાને પડતી મુશ્કેલી બાબત સામે કોઈ કહેવાતા જાગૃત અને ગરીબ પ્રજા માટે મગરના આંસુ સારતા લોકો શોધ્યા જડતા નથી. ત્યારે બેંક ગ્રાહકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
હાલના સમયમાં ખેડૂતો,મહિલાઓ,નોકરીયાત, ધંધાદારીઓ સહિત શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્થાનિક બેંકમાં ખાતા હોવા આવશ્યક છે.જેનો બેંક ઓફ બરોડા સુખસર શાખાના જવાબદારો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.તેમાં જોઈએ તો ખેડૂત ખાતેદારો ખેતી વિષયક તેમજ સરકારના વિવિધ લાભો માટે બેંકમાં ખાતું ખોલાવતા હોય છે.મોટાભાગે જે ગરીબ પરિવારની મહિલાઓ છે તે મહિલાઓ સરકારના લાભો તથા ખાસ કરીને ખાનગી ફાઈનાન્સ કંપનીઓ દ્વારા લોન મેળવવા માટે ખાતા ખોલાવતી હોય છે.જ્યારે અભ્યાસ કરતાં બાળકો વર્ષમાં એકવાર સરકાર દ્વારા મળતી સ્કોલરશીપ માટે ખાતા ખોલાવે છે. અને જે-તે બેંક સત્તાધીશો પોતાની કાર્યકારી બેંકમાં જેમ બને તેમ બેંકમાં વધુને વધુ ખાતેદારો ખાતા ખોલાવે તેમ ઈચ્છતા હોય છે.પરંતુ સુખસર બેંક ઓફ બરોડાના કર્મચારીઓ ચાલુ ખાતેદારો સહિત નવીન ખાતેદારોને દરવાજા ઉપરથી જ હાકી કાઢવામાં હોશિયાર હોય તેમ જણાય છે.જ્યારે કેટલાક મળતીયા ચોક્કસ લોકોના ઈશારે આ બેન્કનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો હોય તેવી પણ બેંક ગ્રાહકોમાં ફરિયાદો ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
અત્રે નોંધનીય બાબત છે કે,આજ રોજ બેંકમાં નવીન ખાતું ખોલાવવા જતા ગ્રાહકોને આડકતરી રીતે આ બેંકમાં ખાતું નહીં ખોલાવી શકે તેવી સલાહ આપવામાં આવતી હોવાની ચર્ચા પણ સાંભળવા મળી હતી.તેમાં આજરોજ જવેસી ગામના રમણભાઈ રોહિત પ્રાથમિક શાળામાં ભણતા પોતાના પૌત્રને લઈ સુખસર બેંકમાં ખાતું ખોલાવવા ગયા હતા.જ્યાં દરવાજામાં બેઠેલા આ બેંકના સિક્યુરિટી ગાર્ડ દ્વારા તમારા છોકરાનું ખાતું ખોલાવવું હોય તો ૨૫૦૦૦ રૂપિયા ભરશો તો જ ખાતું ખુલશેનો જવાબ આપી દરવાજા બહારથી જ કાઢી મૂકવામાં આવ્યો હતો.જે બાબતે સ્થાનિક પત્રકાર ને જાણ થતા બેંક ઇન્ચાર્જને દરમ્યાનગીરી કરતાં આખરે ખાતું ખોલવામાં આવ્યું હતું.જોકે આ બેંકમાં આવા તો અનેક દાખલા બની રહ્યા છે.છતાં ગરીબ,અબુધ લોકો મૂંગા મોઢે સહન કરી રહ્યા છે.મોટાભાગે બેંક ગ્રાહકોને બેંકના દરવાજામાં બેસતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ખોટી સલાહ આપી બેંકની અંદર નહીં જવા દઇ દરવાજા ઉપરથી જ કાઢી મૂકવામાં આવતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.બીજી બાજુ જોઈએ તો બેંક સમય દરમિયાન બેંકની બહાર ગમે તેટલી લાંબી લાઈન હોય તેમ છતાં બેંકના દરવાજાની જાળી હંમેશા બંધ રાખવામાં આવે છે!
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,આ બેંકમાં કેટલાક ખેડૂતો, મહિલાઓ સહિત અભ્યાસ કરતા ખાતેદારોના ખાતા આવેલા છે.જેમાં વર્ષમાં આ ખાતાઓના ખાતેદારો દ્વારા ઓછા પ્રમાણમાં લેવડ-દેવડ થતી હોય તે સ્વાભાવિક છે.તેમ છતાં કેટલાક ખાતેદારોના ખાતામાં રૂપિયા જમા હોવા છતાં ખાતાબંધ કરી દેવામાં આવે છે.અને આ ખાતું ફરીથી ચાલુ કરાવવા ખાતેદાર પાસે બેંક દ્વારા ખાતામાં ૫૦૦ રૂપિયા ભરપાઈ કરાવ્યા બાદજ ખાતું પુનઃ ચાલુ કરવામાં આવે છે.જોકે બંધ થયેલ ખાતું ચાલુ કરવા માટે ડોક્યુમેન્ટ સહિત નાણા ભરઇ કર્યા બાદ પણ આ બેંકમાં ૭ થી ૧૫ દિવસના સમય બાદજ ખાતું ચાલુ કરવામાં આવતું હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.ભલે પછી આ ખાતું ખેડૂતનું હોય,મહિલાનું હોય કે અભ્યાસ કરતા બાળક કે વિદ્યાર્થીનુ હોય ! બેંકના કામકાજ અર્થે આવતા કેટલાક વૃદ્ધ અશક્ત લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા ચક્કર આવી ઢળી પડવાના બનાવો પણ એનેક વાર બની ચૂકેલા છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,આ બેંકમાં ખેડૂતો,મહિલાઓ સહિત વિદ્યાર્થીઓ,નોકરીયાત અને ધંધાદારી ઓના ખાતા ચાલે છે.પરંતુ નાણાંની લેવડ-દેવડ માટે લાઈનોમાં ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો,મહિલાઓ અને બાળકો નજરે પડે છે.જ્યારે નોકરીયાત અને ધંધાદારીઓ કતારમાં ઉભેલા નજરે પડતા નથી.ત્યારે આ બેંકમાં તેઓ વહીવટ કરે છે ક્યારે?તે પણ એક પ્રશ્ન છે. સાથે એ પણ જણાવવું જરૂરી છે કે અગાઉ આ બેંકમાં અનેક લોકોને ખેતી ધિરાણ, ધંધાર્થે તેમજ પશુપાલન માટે લાખો રૂપિયાની લોન આપવામાં આવેલ છે. અને તેમાં કેટલાક ધિરાણ તથા લોન લેનાર લોકોની આગેવાની કરનાર કહેવાતા બેંકના મળતીયા આગેવાનો દ્વારા મોટી રકમ પડાવી લોનો અપાવી હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે. ત્યારે આ બેંકના વહીવટ ની ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો આ બેંકના કેટલાક જવાબદારો દ્વારા ગેરરીતિના દબાવેલા પોપડા ઉખડી ભ્રષ્ટાચારનો ભોરિંગ સપાટી ઉપર આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે. જોકે બેંક ઓફ બરોડા ની કેટલાક લોકો માહિતી માટે આર.ટી.આઇ કરે છે.પરંતુ બેંકની ગેરરીતિ પ્રજા સુધી પહોંચી જાય નહીં તે અર્થે માહિતી પણ આપવામાં આવતી નહીં હોવાનું જાણવા મળે છે.જે બાબતે એક અરજદાર અપીલમાં જનાર હોવાનું પણ જાણવા મળે છે.
બેંકમા ખાતું ખોલાવવા રૂપિયા પચીસ હજાર જમા કરવા પડશે:બેન્ક ઓફ બરોડા સુખસર,ચોકીદાર
આજરોજ સોમવારે હું બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા મારા પૌત્રને લઈ સ્કોલરશીપ માટે ખાતું ખોલાવવાનું હોય બેંકમાં ગયો હતો.જ્યાં દરવાજા ઉપરના ચોકીદારે મને પૂછપરછ કરતાં તમો રૂપિયા પચીસ હજાર ખાતામાં ભરશો તોજ ખાતું ખુલશે.તેમ જણાવતા મારા પાસે ખાતુ ખોલાવવા આટલા નાણાં નહીં હોવાનું જણાવતા નાણા નહીં હોય તો ખાતું ખુલશે નહીં અને હાલમાં ખાતા ખોલવાનું કામ પણ બંધ હોવાનું ચોકીદારે જણાવ્યું હતું.અને અમોને કાઢી મુકતા આ બાબતે અમારા પરિચિત ને વાત કરતા બેંકમાં જઈ બેન્ક ઇન્ચાર્જને વાત કરતાં આખરે મારા પૌત્રનું ખાતું ખોલવામાં આવ્યું છે.