
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના પાટીયા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા દરોડા દરમિયાન 1.84 લાખનાં વિદેશી દારૂ સાથે એક બુટલેગર ઝડપાયો..
ગરબાડા તા. 24
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની બધીને ડામવા માટે એક તરફ દાહોદ પોલીસ તેમજ સ્થાનિક પોલીસે બે ત્રણ દિવસો દરમિયાન લાખો રૂપિયાનું વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જોકે આજરોજ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે પાટિયા ગામે દરોડો પાડી ૧.૮૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે લીસ્ટેડ બુટલેગરને ઝડપી પાડતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગત થોડા દિવસો પહેલા ગાંધીનગરની વિજિલન્સ ટીમે દરોડા પાડીને ધમધમતા જુગાર ધામ તેમજ લાખો રૂપિયાનાં વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોને ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થયાં થયા હતા. જોકે પોલીસની કામગીરી થી નારાજ જિલ્લા પોલીસવાળાએ ક્રાઈમ કોન્ફરન્સમાં અધિકારીઓની ક્લાસ લીધી હતી. જે બાદ એલસીબી તેમજ અન્ય પોલીસ મથકના પોલીસ અધિકારીઓએ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પણ ઝડપી પાડ્યા હતા.જોકે આ જિલ્લામાં વિદેશી દારૂની બદીને સંપૂર્ણપણે લાવવા માટે પોલીસને હજી વધારે મહેનત કરવાની જરૂર પડી રહી હોય તેમ દેખાઈ રહ્યું હતું .તેવા સમયે સ્ટેટ વીજીલન્સની ટીમે ગરબાડા તાલુકાના પાટીયા ગામે ધામા નાખ્યા હતા. અને સિમોડા ફળિયામાં રહેતા નવાભાઇ મલાભાઇ ભુરીયા જે લિસ્ટેડ બુટલેગરોની સૂચિમાં સામેલ છે. તેનાં રહેણાંક મકાનમાંથી તલાસી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની 1808 બોટલો મળી રૂપિયા 1,84,540 ના વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપી ગરબાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય ને છે કે મીનાક્યાર બોર્ડર ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી બોર્ડર છે.જ્યાં બૂટલેગરો દ્વારા અવનવા કીમિયા અપનાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે.આમ તો મીનાક્યારની આ બોર્ડર ઉપરથી દરરોજની દારૂની ગાડીઓ ભરીને નીકળતી હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે.બીજી તરફ પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે.કે જો વિજિલન્સની ટીમ અહીં આવીને વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો પકડતી હોય ત્યારે સ્થાનિક પોલીસ શું કરે છે.તે પણ એક ગંભીર સવાલ છે ? જોકે હાલમાં વિજિલિયન્સની ટીમને લઈને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.