જીગ્નેશ બારીયા :- દાહોદ
નારી ગૌરવ હનનના કિસ્સામાં દાહોદની મુલાકાત લેતા ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલીયા,
પીડિતા સાથે મુલાકાત બાદ દાહોદમાં ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક યોજી
દાહોદ તા.17

ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પ્રેમી સાથે ભાગેલી પરણિત યુવતીને નિર્વાસ્ત્ર કરી માર મારવાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે ગંભીરતાથી લઇ તાબડતોડ ગ્રામ્ય લેવલે મહિલા સુરક્ષા સમિતિ બનાવવાના આદેશો કરવામાં આવતા આ મામલે હાલ ખુબ ગરમાવો જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્ય મહિલા આયોગના ચેરમેન આજરોજ દાહોદ ખાતે પહોંચી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને સમગ્ર મામલા નો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

દાહોદ જિલ્લોએ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ટ્રાયબલ બેલ્ટ હોવાના કારણે આંતરિયાંળ વિસ્તારોમાં રૂઢિચુસ્ત(જુનવાણી)વિચારધારા ધરાવનારો વર્ગ હોવાથી અહીંયાના આંતરિયાંળ વિસ્તારોમાં મહિલાઓ પર અત્યાચારોના બનાવો અવારનવાર બનતા રહે છે.જયારે હાલમાં જ દાહોદ જિલ્લા સહીત રાજ્યભરમાં ખુબ જ ચકચાર મચાવનાર બનાવ બનવા પામ્યો છે. જેના ઘેરા પ્રત્યઘાતો જોવા મળી રહ્યા છે.જેમાં ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પ્રેમી સાથે ભાગેલી 23 વર્ષીય યુવતીને સાસરીયા પક્ષ દ્વારા પકડી લાવી જાહેરમાં નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એનો વિડીયો સોશિયલ મિડીયા તેમજ દૈનિક સમાચારપત્રો પર ચાલતા રાજ્ય સરકારની ચોતરફથી નિંદા થતા આ મામલેઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. જેની ગંભીરતાથી નોંધ લઈ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા દોષિતો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવા નિર્દેશો જાહેર કર્યા હતા. જે બાદ એક્શનમાં આવેલા દાહોદ જિલ્લાના સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા આ મામલામાં ૧૯ આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. તેમજ વહીવટી તંત્ર દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારો ના નિવારણ માટે દરેક ગ્રામ્ય લેવલે તાબડતોડ મહિલા અત્યાચાર સમીતી બનાવવા માટેની કવાયતમાં જોતરાઈ ગયા હતા. તેવામાં દે. બારીયા તાલુકાના કોયડા ગામે પરણિત મહિલા જોડે બર્બરતાનો વધુ એક બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં બન્ને પ્રેમી-પંખીડાને ઢોર માર મારે તેઓના વાળ કાપી દેવાનો બનાવ સામે આવતા સરકાર તેમજ વહીવટી તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઉભા થવા પામ્યા છે. તેવામાં ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયા આજરોજ દાહોદ ખાતે આવી કલેક્ટરશ્રી હર્ષિત ગોસાવી,જિલ્લા પોલીસ વડાશ્રી હિતેશ જોયસર, નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કાનન દેસાઈ સહિતના સલગ્ન વિભાગના અધિકારીઓ જોડે બેઠક યોજી સમગ્ર મામલાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલા આયોગના ચેરમેને પીડિતા જોડે મુલાકાત કરી સાંત્વના આપી તમામ મદદ પહોંચાડવા આ ઘટના સંદર્ભે કરાયેલી ત્વરિત અને પ્રોએક્ટિવ કામગીરી ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના મહિલા સુરક્ષા સમિતિના જાગૃતિ અભિયાનની તેમણે પ્રશંસા પણ કરી હતી.
