વસાવે રાજેશ દાહોદ
સ્માર્ટ સિટી અંતર્ગત અવરોધરૂપ દબાણો દૂર કરવાની કામગીરીનો પ્રારંભ..??
દાહોદના ઓવરબ્રિજ નજીક શોપિંગ સેન્ટરના આગળ ટ્રાફિકમાં અડચણરૂપ દબાણોનો નગરપાલિકા દ્વારા સફાયો….
પાલિકા તંત્ર એ બુલડોઝર દ્વારા દુકાનોની આગળના ઓટલા,તેમજ, શેડ દૂર કરી જગ્યા ખુલ્લી કરી..
દાહોદ તા.11
દાહોદ શહેરના ગોદીરોડ ઓવરબ્રિજ નજીક નગરપાલિકા તંત્ર દ્વારા જેસીબી વડે શોપિંગ સેન્ટરના ઓટલા તોડી રસ્તામાં અવરોધ રૂપ દબાણો દૂર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના પગલે શોપિંગ સેન્ટરના દુકાનદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ શોપિંગ સેન્ટરની બહાર અવાર નવાર ટ્રાફિક જામ તેમજ રસ્તામાં અડચણ રૂપ વાહનો ઉભા રહેતા હોવાના કારણે આ શોપિંગ સેન્ટરની ઘણા સમયથી ફરિયાદો ઉઠવા પામી હતી.ત્યારે આજરોજ પાલિકા દ્રારા કોઈપણ સૂચના કે જાણ કર્યા વગર જેસીબી વડે રસ્તામાં અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.આ મામલે સ્થળ પર હાજર પાલિકાના જવાબદાર અધિકારો સાથે પૃચ્છા કરતા પાલિકાના જવાબદાર અધિકારો દ્રારા આ મામલે મૌન સેવી લીધું હતું.પરંતુ સ્માર્ટ સીટી અંતર્ગત અવરોધ રૂપ દબાણો દૂર કરવાની એકરસાઈઝની અહીંથી શરૂઆત થઈ હોવાનું નકારી શકાતું નથી.
દાહોદ શહેરને સ્માર્ટ સીટી જાહેર કર્યા બાદ સ્માર્ટ સીટી અંતર્ગત ઘણા બધા પ્રોજેકટો શરૂ થયા હતા.અને હવે સ્માર્ટ સીટી પ્રોજેક્ટની જૂનમાં ડેડલાઇન પુરી થવાની હોવાથી સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલા કામો વધુ ઝડપી બન્યા છે.ત્યારે હાલ તાજેતરમાં સ્માર્ટ સીટી અંતર્ગત દાહોદ શહેરના 10 જેટલા રસ્તાઓને સ્માર્ટ રોડ અંતર્ગત ડેવલોપમેન્ટ કરવા અંગેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં નગરપાલિકાના સત્તાધીસો, સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ ના કર્મચારીઓ તેમજ સીટી સર્વેના અધિકારીઓ દ્રારા સંભવીત સ્માર્ટ રોડની માપણી કરી રસ્તા વચ્ચે આવતા દબાણોમાં માર્કિંગ કરવામાં આવ્યું હતું.અને માપણી કરનાર અધિકારીઓ દ્વારા સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવા માટેનો સમગ્ર અહેવાલ સ્માર્ટ સીટી બોર્ડની બેઠકમાં ભલામણ કરી હતી જે બાદ સ્માર્ટ સીટીના ચેરમેન દ્વારા સંકલનની બેઠક બાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી દબાણો દૂર કરવા માટે થતી જરૂરી કાર્યવાહી કરવા અંગે નિર્દેશ કર્યા હતા.ત્યારથી જ દાહોદમાં વર્ષોથી અડીખમ રહેલા ગેરકાયદેસર દબાણો તૂટવાની વાતો જોરસોરથી વહેતી થઈ હતી.ત્યારે આજરોજ પાલિકાના બુલડોઝરે ગોદીરોડ ઓવર બ્રીજ પાસે શોપિંગ સેન્ટરના અવરોધ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે દાહોદમાં અવરોધ રૂપ ગેરકાયદેસર દબાણો તૂટવાનો સિલસિલો શરૂ થયો હોય તેવા ક્યાસો લગાવવામાં આવી રહ્યા છે…
