
બાબુ સોલંકી, સુખસર
દાહોદ જિલ્લાના ઝાલોદ,સંજેલી, લીમડી ખાતે મેન્ટેન્સ સર્વેયર દ્વારા ગેરરિતી આચરવાના આક્ષેપ સાથે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા ચકચાર.
ઝાલોદ,લીમડી-સંજેલીમા મેન્ટેનન્સ સર્વેયર દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી જમીન દસ્તાવેજોમાં છેડછાડ કરી ગંભીર ગેરરિતી આચરવામાં આવેલ હોવાનો આક્ષેપ કરાયો.
સુખસર,તા.05
દાહોદ જિલ્લાના ઝાલોદ,લીમડી તથા સંજેલીમાં મેન્ટેન્સ સર્વેયર તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરી જમીન દસ્તાવેજોમાં છેડછાડ કરી મોટા પાયે ગેરરીતી આચરવામાં આવી હોવા બાબતે રજૂઆત કરી સંજેલીના એક નાગરિક દ્વારા સુપ્રિટેન્ડેન્ટ સીટી સર્વે કચેરી દાહોદનાઓને લેખિત રજૂઆત કરી તેને લગતા વિવિધ મુદ્દાઓની માહિતી અધિકાર હેઠળ માહિતીની માંગણી કરતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઝાલોદ, લીમડી તથા સંજેલીમાં ફરજ બજાવતા સમીર કાંતિલાલ ચરપોટ મેન્ટેન્સ સર્વેયર દ્વારા પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી વિપુલ પ્રમાણમાં જમીન સંબંધી બાબતોમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવા બાબતના આક્ષેપ સાથે સંજેલીના ચંદ્રરાજસિંહ રાજેન્દ્રસિંહજી ચૌહાણ દ્વારા રજૂઆત કરી માહિતી અધિકાર હેઠળ માહિતીની માંગણી કરી જણાવ્યું છે કે, સમીર ચરપોટના ઓએ તેમની ફરજ કાળ દરમ્યાન સંજેલી, ઝાલોદ લીમડીમાં કુલ કેટલા બોજા કમી કરેલ છે?તેમજ સંજેલી,ઝાલોદ,લીમડીમાં પોતાની ફરજ દરમિયાન કેટલી નોંધો પાડી છે?તે સહિત સંજેલી ઝાલોદ લીંબડીમાં કુલ કેટલી વારસાઈ કરેલ છે? તેમજ તેઓએ પ્રોપર્ટી કાર્ડની નકલ આપવા કયા નિયમો ને ધ્યાને રાખ્યા છે? તેમજ જે-તે લોકોને નકશા આપવામાં આવેલ છે તે કયા આધારે આપેલ?તેની વિગતે માહિતીની માંગ કરી હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ઝાલોદ,લીમડી તથા સંજેલી પૈકી કેટલાક સર્વે નંબરોના માલિકો બોજાદાર હોય અને તેઓએ બોજો ભરપાઈ કર્યા વિના મેન્ટેન્સ સર્વેયરના મેળાપીપણાથી તેવી જમીનો અન્યના નામે કરી હોય અને ફરીથી આ જ જમીન ઉપર લાખો રૂપિયા બોજો કરવામાં આવ્યો હોય તેવા કિસ્સા પણ તટસ્થ અને નિષ્પક્ષ પણે તપાસ કરવામાં આવે તો પ્રકાશમાં આવી શકે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.