
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના નવરાળા ગામે બે મોટરસાયકલ સામસામે અથડાતા બન્ને બાઈક ચાલકો ઇજાગ્રસ્ત
દાહોદ તાલુકાના નગરાળા ગામે મોડીયા ફળિયામાં બે મોટર સાયકલો વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પિતા-પુત્રને ગંભીર ઈજાઓ થતાં બંને ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
અકસ્માત કરી બાઈક ચાલક ફરાર થઈ ગયો પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના અભલોડ ગામના ઝરલા ફળિયામાં રહેતા 28 વર્ષીય નરવતભાઈ જોખાભાઈ પલાસ તથા તેના પિતા 65 વર્ષીય જોખાભાઈ સિસકાભાઈ પલાસ પોતાની જીજે-20 q -9620 નંબરની બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર બેસી જઈ રહ્યા હતા. તે વખતે નગરાળા ગામે મોડીયા ફળિયામાં રોડ પર સામેથી રોંગ સાઈડમાં પુરઝડપે દોડી આવતી જીજે-20 એ.જે-9650 નંબરની સ્પ્લેન્ડર મોટર સાયકલ નરવતભાઈ પલાસની મોટર સાયકલને જોખાભાઈ ટક્કર મારી પોતાની મોટર સાયકલ સ્થળ પર જ મૂકી ચાલક નાસી છુટયો હતો.
પિતા,પુત્ર ફંગોળાઈને રોડ પર પટકાયા
બે બાઈક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં નરવતભાઈ પલાસ અને તેના પિતા જોખાભાઈ સિસકાભાઈ પલાસ એમ બંને બાપ-દિકરા મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.જેથી જોખાભાઈ પલાસને માથામાં કપાળના ભાગે ફ્રેક્ચર થયું હતું તથા નાકના ભાગે તેમજ જમણા જડબામાં ફ્રેક્ચર થયું હતું.જ્યારે નરવતભાઈ પલાસને શરીરે મૂઢ ઈજાઓ થઈ હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત નરવતભાઈ જોખાભાઈ પલાસે નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.