
વિદ્યાર્થીની શાળાએથી ચાલતી પરત ઘરે જતી હતી: પોલીસે બે યુવકોને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી
દાહોદ શહેરમાં ૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર બે અજાણ્યા યુવકોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી
દાહોદ તા.૧૮
દાહોદ શહેરના ગોદી રોડ ખાતે આવેલ સ્ટીફન સ્કુલમાં અભ્યાસ કરતી એક ૧૬ વર્ષીય વિદ્યાર્થીની પર બે અજાણ્યા યુવકો દ્વારા વિદ્યાર્થીની પર જીવલેણ હુમલો કરતાં ગંભીર ઈજાગ્રસ્ત યુવતીને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના ગોદી રોડ ખાતે રામનગરમાં રહેતી અને શહેરની સ્ટીફન સ્કુલમાં અભ્યાસ કરી એક ૧૬ વર્ષીય વિદ્યાર્થીની નાસ્તો કરી પરત પોતાના ઘરે જતી હતી તે સમયે રસ્તામાં કોઈ અજાણ્યા બે યુવકો દ્વારા વિદ્યાર્થીનીની પાછળ આવી કોઈ હથિયાર વડે વિદ્યાર્થીનીની પાછળથી હુમલો કરી માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી બંન્ને અજાણ્યા યુવકો નાસી ગયાં હતાં જ્યારે વિદ્યાર્થીની ઘટના સ્થળ પરજ બેભાન થઈ ગઈ હતી. ઘટનાને પગલે વિદ્યાર્થીનીના પરિવારજનો તેમજ સ્થાનીક લોકો દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી હતી. વિદ્યાર્થીની ધોરણ ૧૦માં શહેરમાં આવેલ સ્ટીફન સ્કુલમાં અભ્યાસ કરે છે. સમગ્ર મામલે સ્થાનીક પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી હુમલાખોર યુવકોને ઝબ્બે કરવાની તજવીજ હાથ ધરી છે.