
બગાસુ ખાતા પતાસુ મળ્યું : સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂ ઘુસાડવા અવનવા પેતરા અજમાવતા બુટલેગરો
જી.એસ.ટી સ્કવોર્ડે પુસરી નજીક ચેકિંગ માટે ટેમ્પો થોભાવતા અડધા કરોડનો દારૂ મળ્યો..
દવાની બિલ્ટી ઉપર દારૂની હેરાફેરી મોડ્સ ઓપરેન્ડીથી પોલીસ વિભાગ ચોંક્યું
સીલબંધ ટેમ્પોમાં મીણીયા થેલામાં દારૂની પેટીઓને પેક કરીને લઇ જવાતી હતી: ચાલક નજર ચૂકવીને ફરાર.
દાહોદ તા.17
દાહોદ શહેર નજીક પુંસરી ગામે જીએસટી સ્કવોર્ડે એક બંધ બોડીના ટ્રકને રોક્યા બાદ તેનો ચાલક ભાગી ગયા બાદ પોલીસની તપાસ તેમાંથી અડધો કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દવાની બિલ્ટી ઉપર વિદેશી દારૂની બૂટલેગરોની નવી મોડ્સ ઓપરેન્ડી જોઇને પોલીસ વિભાગ ચોંકી ઉઠ્યો હતો.જેમાં આ ટ્રકનો એન્જીન નંબર પણ ઘસી કઢાયેલો જોવા મળ્યો હતો ત્યારે ટ્રકના કાગળો પણ બનાવટી હોવાની આશંકાઓ વ્યક્ત કરાઇ રહી છે. આ મામલે ઉત્તર પ્રદેશ પાર્સિંગના આઇસર ટેમ્પોના નંબરના આધારે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
દાહોદ શહેર નજીક આવેલા પુંસરી ગામે જીએસટી મોબાઇલ સ્કવોર્ડ દ્વારા UP -86-T-9304 નંબરના બંધ બોડીના ટ્રકને રોકવામાં આવ્યો હતો. ગાડીના દસ્તાવેજોની ચકાસણી કરવા અને તેમાં ભરેલા માલની ખાતરી કરવા માટે ટ્રકને જીએસટી કચેરી મુકાવી દેવાયો હતો. દરમિયાન ટ્રકનો ચાલક નજર ચુકવીને ફરાર થઇ જતાં આ બાબતની એસઓજી પી.આઇ આર.સી કાનમિયાને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલા સાથે રાજ્ય વેરા અધિકારી વી.આર પરીખ, રાજ્ય વેરા નિરીક્ષક ડી.ટી પરમાર, વી.ડી જાદવ સહિતનો સ્ટાફ પણ ત્યાં ધસી ગયો હતો.જે બાદ સીલબંધ બંધ બોડીના ટ્રકના પાછળના દરવાજાને લગાવેલુ શીલ તથા તાળુ ખોલલતાં તેમાં સફેદ રંગના પ્લાસ્ટિકના મીણીયાના થેલાઓમાં ખાખી રંગની પુઠ્ઠાની પેટીઓમાં વિદેશી દારૂની બોટલો ભરેલી હોવાનું જણાયુ હતું. ટ્રકમાંથી આવા કુલ 240 થેલાઓ મળી આવ્યા હતાં. જેમાં પ્રત્યેક થેલામાં બે પેટી અને એક છુટ્ટી મળીને કુલ 483 પેટીઓ મળી આવી હતી.આ પેટીઓમાંથી મેકડોવેલ્સ નંબર-1 સુપેરીયોર વ્હીસ્કી ઓરીઝનલની 8108 બોટલો કિંમત રૂપિયા 1891200, ઓલ સીજન્સ ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કીની 18.48 લાખ રૂપિયાની 1100 બોટલ, રોયલ ચેલેન્જ ક્લાસિક પ્રિમીયમ વ્હીસ્કીની 1164 બોટલ કિંમત રૂપિયા 13,96,800ની મળી આવી હતી.
આમ પોલીસે કુલ જુદી-જુદી બ્રાન્ડની 11052 બોટલો કિંમત રૂપિયા 51,36,000ની જપ્ત કરવામાં આવી હતી. ટ્રકના કેબિનમાંથી મળેલા કાગળો ઉપરથી આ ટ્રક ઉત્તર પ્રદેશના હાથરસની પ્રેમ નગર કોલોનીમાં રહેતાં મનોજકુમાર મનિષકુમાર જૈનની માલિકીની હોવાનું સામે આવ્યુ હતું. ટ્રકમાંથી આસામના ધારપુરના મેસર્સ કરણ ટ્રેડર્સના નામની બિલ્ટી મળી આવી હતી. જેમાં ટ્રકમાં જુદી-જુદી મેડિસીન ભરેલી હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.જેમાં આ ટ્રકનું એન્જીન નંબર પણ ભુંસી કાઢેલુ સામે આવ્યુ હતું. પોલીસે 20 લાખ રૂપિયાના ટ્રક સાથે કુલ 71.63લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટના અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ શીતલબેન નાકલાભાઇની ફરિયાદના આધારે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.ગુજરાતની ટ્રક ઉપર યુપીની નંબર પ્લેટ ટ્રેકમાંથી ફાઇલ તો ઉત્તર પ્રદેશ પાર્સિંગની 9304 નંબરની ટ્રકની મળી હતી પરંતુ ટ્રકનું એન્જીન નંબર ધસી નાખ્યુ હોય તેના ચેચીસ નંબર પરથી પોલીસે પોકેટ કોપ ની મદદથી ચેક કરતાં ટ્રક મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચારવાડા ગામના ભટ્ટી અમીન અસલમનું નામ સામે આવ્યુ હતું. જેની ઉપરથી ટ્રક ઉપર ખોટી નંબર પ્લેટ લગાવાઇ હોવાનું સામે આવ્યુ હતું. બે ટ્રકના પાર્ટસ અહીંથી તહીં કર્યા હોવાની પણ આશંકાઓ વ્યક્ત કરાઇ રહી છે.