
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં પ્રાથમિક સુવિધાઓના અભાવે નાગરિકોએ મામલતદાર તેમજ ટી.ડી.ઓને આવેદન પાઠવ્યું..
ગરબાડામાં વર્ષો જૂની પીવાની પાઇપલાઇન ખખડધજ હાલતમાં: દુર્ગંધ મારતો દૂષિત પાણી મળતા નગરજનો પાણી વેચાતું લેવા મજબૂર બન્યા..
તાલુકા મથકનું ગામ હોવા છતાં પાયાની સુવિધાઓથી વંચિત.
ગરબાડા તા.09
ગરબાડા તાલુકાના નાગરિકો દ્વારા ગરબાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને ગરબાડા નગરની સમસ્યાઓ વહેલી તકે દૂર કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ગરબાડા નગરના જાગૃત નાગરિકો ના જણાવ્યા અનુસાર ગરબાડા નગરમાં પાણી માટેની પાઇપલાઇન 40 વર્ષ જૂની અને જર્જરીત હાલતમાં છે જેના કારણે નળની પાઇપલાઇન ગટર લાઈન સાથે મિક્સ થતાં પાણી દૂષિત થઈ વાસ મારતું પાણી નગરમાં આવે છે. જેના કારણે પાણીજન્ય રોગો ગામમાં થાય છે હાલ આ પાઇપલાઇન બંધ છે. અને ગામ લોકો દ્વારા ટેન્કરો દ્વારા પાણી નખાવે છે અને વર્ષોથી પીવાના પાણીની તકલીફ પડે છે અને પાણી વેચાતું લેવું પડે છે જે આર્થિક રીતે પાણીનો ખર્ચ ગામ લોકો માટે પોષાય તેમ નથી. જેના માટે ફિલ્ટર પ્લાન્ટ સાથે નવીન પાઇપલાઇન નગરજનોને પાણી મળે તે ઘટતુ કરવા બાબતે તેમજ ગરબાડા નગરના રસ્તાઓ જે વર્ષોથી બિસ્માર પડ્યા છે અને ચોમાસા દરમિયાન કાદવ ખિચડ નું સામ્રાજ્ય જોવા મળે છે.અને લોકોને આવા જવામાં ભારે તકલીફ પડે છે તેમજ ગરબાડા તાલુકા કક્ષાએ લાયબ્રેરી તથા પર્યટક સ્થળ અંગે અને સ્પોર્ટ્સ મેદાન ફાળવવા બાબતે તેમજ રામનાથ મહાદેવ મંદિર ગરબાડા પાછળ કચરાનો ડેપો છે તેના કારણે દુર્ગંધ મારતા પદાર્થ તથા મૃત પ્રાણી ના હાડકા માસ જેવી વસ્તુઓ દુર્ગંધ મારે છે. આ કચરા સ્થળેથી હાડકા કુતરા મંદિરમાં પરિસરમાં લઈ આવે છે જેના કારણે ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને મંદિરે દર્શન કરવા આવતા ભક્તો જે કચરો બાળતા ધુમાડા નું પ્રદૂષણ મંદિરમાં આવતા ભક્તો હેરાન થાય છે જે ડેપો ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.