
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…
દાહોદમાં નવું મોપેડ ખરીદ્યાના પાંચ વર્ષ પહેલાં જ ટ્રાફિક પોલીસે મેમો આપી દીધો!
2019માં એક્ટિવા ખરીદ્યુ, હિંમતનગર ટ્રાફિક પોલીસે 2014માં જ મેમો બનાવી દીધો હતો : ટ્રાફિક નિયમના દંડ બદલ મોપેડ માલિકને અધધ..13 હજારનો દંડ
એક્ટિવા વેચાણ બાદ બીજાના નામે ટ્રાન્સફર કરવા જતાં ભેદ ખુલ્યો : માનવિય ભુલ કે ખોટી રીતે મેમો ચીતરવાનું કૌભાંડ તપાસનો વિષય..
.દાહોદ તા.20
સરકારી તંત્રમાં કેટલાંક કર્મચારીઓ દ્વારા આનન-ફાનમાં કરાતી કામગીરીને કારણે ઘણા છબરડા જોવા મળતાં હોય છે. ત્યારે હિંમતનગર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલા છબરડાથી દાહોદના પરિવારને વેઠવાનો વારો આવ્યો છે. તેમાં એક્ટિવા મોપેડની ખરીદીના પાંચ વર્ષ પહેલાં જ હિંમતનગરની ટ્રાફિક પોલીસે વાહનના નંબરના આધારે 13600 રૂપિયાનો મેમો બનાવી દેવાયાનું સામે આવ્યુ છે. દંડ બાકી હોવાથી આ મેમો ઓન લાઇન અપલોડ પણ થઇ ગયો હતો. એક્ટિવાના વેચાણ બાદ નામ ટ્રાન્સફરની પ્રક્રિયા વખતે આ બાબત સામે આવતાં આશ્ચર્ય ફેલાયુ છે. આ છબરડો દૂર કરવા માટે વાહન માલિકે હિંમતનગર આરટીઓને લેખિત રજૂઆત કરી પણ છે.આ ઘટના માનવિય ભુલ છે કે પછી ખોટી રીતે મેમો બનાવવાનું કોઇ કૌભાંડ તે તપાસનો વિષય બન્યો છે.
દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ઉપર રહેતાં હિરચંદ ભાટે પત્ની અંકીતાબેનના નામે 3 ઓક્ટોબર 2019ના રોજ શોરૂમ ઉપરથી એક્ટિવા મોપેડની ખરીદી કરી હતી. આ મોપેડનું રજિસ્ટ્રેશન નંબર જીજે-20-એએમ-1738 આવ્યો હતો. ત્રણ વર્ષ ચલાવ્યા બાદ આ એક્ટિવા મોપેડ નજીકનું હિરચંદભાઇએ નજીકના એક પરીચિતને વેચાણ કર્યુ હતું. ટીટી ફોર્મ ઉપર સહિ કરી આપ્યા બાદ મોપેડ વેચાણ આપ્યુ હતુ તે વ્યક્તિએ પોતાના નામે કરાવવાની પ્રોસેસ કરી હતી. ત્યારે જીજે-20-એએમ-1738 નંબરના એક્ટિવાના ચાલકે હિંમતનગરમાં 25 ફેબ્રુઆરી 2014ના રોજ સાંજના 4.23 વાગ્યે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોઇ તેના 13600 રૂપિયા બાકી હોવાનો મેમો અપલોડ થયેલો હોવાનું જણાયુ હતું.મેમોમાં વાહનના પ્રકારમાં પણ સ્કુટરનો જ ઉલ્લેખ છે. કદાચ 2014માં એએમ સીરીઝ પણ નહીં હોય ત્યારે ખરીદીના પાંચ વર્ષ પહેલાં 2014માં બનેલા મેમોની ઘટના દાહોદ આરટીઓના કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. દાહોદ આરટીઓ કચેરી તેમાં કંઇ થઇ શકે તેમ ન હતું. શોરૂમનો પણ સંપર્ક કરાતા ત્યાં પણ કોઇ મદદ મળી શકી ન હતી. વેચાણ આપ્યુ હતુ તેના નામે મોપેડ કરાવવું હોય તો દંડ ભરવાનો હિરચંદભાઇ પાસે એક માત્ર વિકલ્પ જ હતો. જોકે, 2014માં બનેલો મેમો શંકા ઉપજાવે તો વો હોવાથી હિરચંદભાઇએ હિંમતનગરના આરટીઓને મેમો રદ કરવાની લેખીત રજૂઆત કરી છે. આમાનવિય ભુલ કે કોઇ પણ વાહન નંબરના મેમો ચીતરીને ટાર્ગેટ પુરૂ કરવાનો કૌભાડ છે તે તપાસ બાદ જ સામે આવે તેમ છે.
વિભાગની ભુલને કારણે અમને વેઠવાનો વારો :- હિરચંદભાઇ ભાટ, એક્ટિવા માલિકના પતિ
મેં વર્ષ 2019માં મારા વાઇફના નામે નવી એક્ટિવા મોપેડ ખરીદી હતી. 2022માં તે નજીકના પરીચિતને વેચાણ કરી હતી. એક્ટિવા તે પોતાના નામે કરાવવા જતાં હિંમતનગર ટ્રાફિક પોલીસે કરેલા 13 હજાર રૂપિયાનો દંડ બાકી હોવાનું નીકળ્યુ હતું. અત્યારે અમારી પુરી પ્રોસેસ અટકી ગઇ છે. અમે હિંમતનગરના આરટીઓને લેખિત રજૂઆત કરી છે. 2019માં ખરીદેલા મોપેડનો મેમો 2014માં જ બની જવાની વાતે આશ્ચર્ય છે. વિભાગની ભુલને કારણે અમને વેઠવાનો વારો આવી રહ્યો છે. અમે હિંમતનગરના આરટીઓને મેમો રદ કરવાની લેખિત રજૂઆત કરી છે.