Tuesday, 01/07/2025
Dark Mode

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે……સુખસર:બેરોજગારોને નોકરી અપાવવાના બહાને હજારોની છેતરપિંડી!:પોસ્ટ ખાતામાં નોકરી કરતા મી.નટવરલાલે બેરોજગાર યુવકો પાસેથી હજારો રૂપિયા ખંખેર્યા

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે……સુખસર:બેરોજગારોને નોકરી અપાવવાના બહાને હજારોની છેતરપિંડી!:પોસ્ટ ખાતામાં નોકરી કરતા મી.નટવરલાલે બેરોજગાર યુવકો પાસેથી હજારો રૂપિયા ખંખેર્યા

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેરોજગારોને પોસ્ટ ખાતામાં નોકરી આપવાના બહાને હજારોની છેતરપિંડી !,પોસ્ટ ખાતામાં નોકરી કરતા મોટાનટવાના ઇસમે ગામ સહિત અન્ય લોકો પાસેથી પોસ્ટ ખાતામાં નોકરી આપવાના બહાને હજારો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ચર્ચા.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૯

ધુતારા લોકો દ્વારા લોભિયા લોકોને હથેળીમાં તારા બતાવી ધોળા દિવસે લૂંટી જતા હોવાના કિસ્સા અવાર-નવાર પ્રકાશમાં આવતા હોવા છતાં જ્યાં લોભ હોય ત્યાં થોભ ન હોયની દ્રષ્ટિએ જોતાં લોભિયા લોકો ધુતારાઓની ચુંગાલમાં ફસાઈ હજારો-લાખો રૂપિયા ગુમાવી બેસવાના અનેક કિસ્સા અગાઉ બની ચૂકેલા છે.તેમ છતાં લોભમાં લુટાઈ જવા માંગતા લોકો આગળ પાછળનો વિચાર કર્યા વગર લૂંટાઈ જતા લોકો આખરે રાતા પાણીએ રડતા હોવાના અવાર-નવાર કિસ્સા જોવા મળતા હોય છે.તેવી જ રીતે ગત ચાર વર્ષ અગાઉ મોટાનટવા ગામના એક પોસ્ટ ખાતામાં નોકરી કરતા ઈસમે પોતાની પોસ્ટ ખાતાના અધિકારીઓ સાથે સારી ઓળખાણ હોવાનું જણાવી, પોસ્ટ ખાતામાં નોકરી અપાવવાના બહાને ગામ સહિત અન્ય લોકો પાસેથી હજારો રૂપિયા ખંખેરી છેતરપિંડી કરી હોવાની બાબતે સુખસરના છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં પ્રજાપતિ ફળિયા ખાતે રહેતા અને છૂટક કરીયાણાનો વેપાર ધંધો કરતા રમેશભાઈ દેવીલાલ કલાલને મોટાનટવા ગામના પોસ્ટ ખાતામાં નોકરી કરતા એક ઈસમે ચાર વર્ષ અગાઉ જણાવેલ કે,હું પોસ્ટ ખાતામાં નોકરી કરું છું.અને પોસ્ટ ખાતાના અધિકારીઓ જોડે મારે સારી ઓળખાણ છે.અને તમારે છોકરાને પોસ્ટ ખાતામાં નોકરી ઉપર મુકવો હોય તો હું તમારા છોકરાની ભલામણ કરી નોકરી ઉપર મુકાવી આપીશ.પરંતુ તેના માટે તમારે બે લાખ રૂપિયા આપવા પડશે,તેમાંથી એડવાન્સ પેટે રૂપિયા ૫૦.હજાર આપવાનું જણાવતાં રમેશભાઈ કલાલે રૂપિયા ૪૮૦૦૦/- નોકરી અપાવવાની લાલચ આપનાર ઈસમને આપી દીધેલ.તેવીજ રીતે મોટાનટવાના વતની અને મોટાનટવા ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બામણીયા સડીયાભાઈ હકલાભાઈના ઓને પણ પોતાના ગામના ઈસમે પુત્રને પોસ્ટ ખાતામાં નોકરી અપાવવાની લાલચ આપી નોકરી જોઈતી હોય તો એડવાન્સ નાણાં આપવા પડશેના બહાને રૂપિયા ૫૦,૦૦૦/-લઈ નોકરી માટે ભલામણ કરી આપવા જણાવેલ.ત્યારબાદ સમય થતાં વેપારી તથા શિક્ષક પુત્રને નોકરી નહીં મળતા આ બંને વ્યક્તિઓએ નોકરી અપાવવા નાણાં લઈ જનાર ઈસમને પૂછપરછ કરતા નોકરીના બહાને છેતરપિંડીનો શિકાર કરતા ઈસમે ચાર વર્ષ સુધી વિવિધ બહાનાં બતાવી નોકરી કે લીધેલ નાણા પરત નહીં આપતા નોકરીના બહાને પોતે છેતરપીંડીનો શિકાર બન્યા હોવાનો અહેસાસ થતાં રમેશભાઈ કલાલ તથા સડીયાભાઈ બામણીયાએ પોતાના પુત્રોને નોકરી અપાવવાના બહાના હેઠળ છેતરપિંડી કરી જનાર ઇસમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
થતી ચર્ચા મુજબ મોટાનટવાના પોસ્ટ ખાતામાં નોકરી કરતા આ ઈસમ દ્વારા સુખસર વિસ્તાર સહિત જિલ્લાના કેટલાક વિસ્તારના બેરોજગાર યુવાનોને પોસ્ટ ખાતામાં નોકરી અપાવવાના બહાના હેઠળ લાખો રૂપિયા ઉપરાંતની છેતરપિંડી કરી હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. ત્યારે પોસ્ટ ખાતામાં નોકરી આપવાના બહાને છેતરપિંડીનો શિકાર બનેલા અનેક લોકો બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

error: Content is protected !!