ગરબાડાના નળવાઈમાં ફોરેસ્ટ વિભાગના જંગલમાં આગ: 112 ની ટીમ અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના નળવાઈમાં ફોરેસ્ટ વિભાગના જંગલમાં આગ: 112 ની ટીમ અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ

દાહોદ તા. ૧૮

ગરબાડા તાલુકાના નળવાઈ વિસ્તારમાં આવેલ ફોરેસ્ટ વિભાગના જંગલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વનસંપદાને મોટું નુકસાન થયું હોવાની આશંકા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નળવાઈ ખાતે આવેલા અનાજના સરકારી ગોડાઉનની પાછળ લીલગરી (લીલગર) ના ઝાડોનું સરકારી જંગલ આવેલું છે. આ જંગલમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. સૂકા પાંદડા અને પવનના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને લીલગરીના કિંમતી ઝાડો સળગવા લાગ્યા હતા. જંગલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગ લાગવાની જાણ થતાં જ આજુબાજુના સ્થાનિક રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સાથે જ ‘એમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમ’ 112 ની ટીમને જાણ કરાતા તેઓ પણ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. શરૂઆતમાં સ્થાનિક લોકો અને 112 ની ટીમે પોતાના સ્તરે આગને ઓલવવાનો અને તેને આગળ વધતી અટકાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો.

જો કે, આગ વધુ વિકરાળ બનતા અને કાબુ બહાર જતાં ગરબાડા 112 ની ટીમે તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી. ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને 112 ની મદદથી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

Share This Article