બાબુ સોલંકી :- સુખસર
*સુખસર તાલુકામાં તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ત્રિપાંખીઓ જંગ ખેલાશે*
*સુખસર તાલુકામાં 18 બેઠકો માટે ભાજપ,કોંગ્રેસ તથા આપ પાર્ટીના ઉમેદવારોએ તમામ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી*
*સુખસર તથા હડમત તાલુકા પંચાયત બેઠક માટે અપક્ષના ઉમેદવારો એ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું*
સુખસર,તા.16

આવનાર સમયમાં યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયતની બેઠકો માટે સુખસર તાલુકામાં અસહ્ય ગરમીની મોસમ થી વધુ ચૂંટણીનો ગરમાવો ચૂંટણી જંગ જીતવા મથતા ઉમેદવારોને દઝાડી રહ્યો છે.અને ચૂંટણી જંગમાં ઝંપલાવનાર તમામ ઉમેદવારો પોતાની જીત નિશ્ચિત હોવાનું મતદારો સમક્ષ નિવેદન આપી રહ્યા છે.તાલુકામાં ભાજપ કોંગ્રેસ તથા આપ પાર્ટી સહિત અપક્ષના ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.અને મતદારો તમામ ઉમેદવારોને આશ્વાસન પણ આપી રહ્યા છે. તાલુકામાં ત્રિપાંખીયો જંગ ખેલાનાર હોય હાલ કયા ઉમેદવારની જીત નિશ્ચિત હશે તેનું અનુમાન અશક્ય જણાય છે.પરંતુ કેટલીક બેઠકો ઉપર અગાઉના ચૂંટણી પરિણામોની દ્રષ્ટિએ ફેરફાર થાય તેવા એંધાણ જણાઈ રહ્યા છે.
સુખસર તાલુકામાં તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ તથા આપ પાર્ટીની તમામ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.તેમજ સુખસર તથા હડમતની બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો એ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.જ્યારે તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત બેઠકો માટે ભાજપ,કોંગ્રેસ તથા આપ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે.ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ઉમેદવારો બાહ્ય પ્રચાર કરતા આંતરિક પ્રચારને વધુ વેગ આપી રહ્યા છે.ત્યારે દાયકાઓથી ચૂંટણી વચનોથી પરિચિત એવી પ્રજા તમામ ઉમેદવારોને મત આપી વિજયી બનાવવા ઠાલા આશીર્વાદ આપી રહી છે.જ્યારે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ઉમેદવારો પ્રજાને કદાચ સામ-દામ-દંડ અને ભેદ નીતિ અપનાવી મત મેળવવાની કોશિશ કરશે પરંતુ તેના કરતાં વધારે આ ઉમેદવારોને પોતાનો હરીફ ઉમેદવાર હાર તરફ ધકેલી નહીં દે તે પ્રત્યે વધુ ધ્યાન રાખી રહ્યા હોવાનું પણ જોવા મળે છે.જોકે તાલુકામાં આગામી ચૂંટણીઓ સમયે પ્રચારમાં જે ગતિ જોવા મળતી હતી તેમાં હાલના સમયે કમી જોવા મળી રહી છે.
હાલ તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારી નોંધાવનાર કેટલાક ઉમેદવારો રાજ કારણથી વાકેફ છે. જ્યારે મોટાભાગના ઉમેદવારો નવા નિશાળિયા હોવાનું જાણવા મળે છે. તેમજ તમામ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ જીતની આશાથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.ત્યારે માની લઈએ કે અનેક બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો સારા હોઈ શકે.પરંતુ આ ઉમેદવારો પૈકી આવનાર પાંચ વર્ષ માટે પ્રજાના વિકાસ કાર્યોમાં સાથ સહકાર આપી પ્રજાની પડખે કયો ઉમેદવાર ઉભો રહી શકશે તેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ મતદારો પોતાનો મત આપે તે જરૂરી છે.જોકે હાલમાં ઉમેદવારો દ્વારા જીત મેળવવા માટે પ્રજાને વચનોની લ્હાણી કરાવશે. પરંતુ જીત મેળવ્યા બાદ પાંચ વર્ષ સુધી ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકા ભજવશે તેવા પણ અનેક ઉમેદવારો હોઈ શકે.માટે પ્રજાએ જાગૃતિ દાખવી પોતાનો અમૂલ્ય મત લાયક ઉમેદવારને જ આપવો તે આપણી ફરજ છે.જોકે તાલુકામાં ત્રિપાંખિયો જંગ ખેલાનાર હોય કોઈ બે પક્ષ એક પક્ષને સારો એવો ફાયદો કરાવી જાય તેવા પણ અણસાર જણાઈ રહ્યા છે!
અત્રે નોંધનીય છે કે,ચૂંટણી સમયે જે ઉમેદવાર મતદારને બે હાથ જોડી,મીઠા બોલ બોલી,પ્રલોભન આપી મત લઈ જીત મેળવી લેવાની બાબત નવી નવાઈની નથી. પરંતુ હવે મતદારો જાગૃત બન્યા છે ત્યારે કયા પક્ષમાં કોણ ઉમેદવાર છે? અને તેણે આગાઉ પ્રજાને સાથ સહકાર આપ્યો હતો કે કેમ?તેમજ આ ઉમેદવારે પ્રજાના કેવા અને કેટલા કાર્યો કર્યા?અને હવે તે ચૂંટાશે છે તો પ્રજાને સાથ સહકાર આપશે કે કેમ? તેનુ બારીકાઇથી નિરીક્ષણ કર્યા બાદજ મત આપવો જોઈએ.નહીં કે જે તે ઉમેદવાર પોતાના પરિવાર,ગામ કે સમાજનો હોય તેને મત આપવો જ જોઈએ તેવી મતદારોને લઘુતાગ્રંથી હોય તો તે મનમાંથી કાઢી લાયક ઉમેદવારને મત આપવો તે પ્રજાના હિતમાં હશે.
સુખસર તાલુકામાં તાલુકા પંચાયતની 18 બેઠકો માટે 56 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.પરંતુ ભાજપ,કોંગ્રેસ તથા આપ પાર્ટીના લોકોએ પોતાના માનીતા પક્ષ માંથી ટિકિટની માંગણી કરતા ઉમેદવારોની બાદબાકી કરી સાઈડ લાઈન કરાતા કેટલાક અસંતુષ્ટ લોકો પક્ષથી વિમુખ જઇ ચૂંટણી લડતા હોવાની ચર્ચા સાંભળવા મળે છે.જોકે હાલની સ્થિતિ જોતા ભાજપના કોંગ્રેસ તરફી,કોંગ્રેસના ભાજપ તરફી અને આ બંને પક્ષોથી નારાજ કેટલાક લોકો આપ પાર્ટી અને આ તમામ પક્ષોથી પર એવા અપક્ષ તરફે પ્રચાર કરી રહ્યા છે.ત્યારે તાલુકા પંચાયતની બેઠકોના અણધાર્યા પરિણામો આવી શકે તેમ પણ જણાઈ રહ્યું છે.
*:-બોક્સ:-*
26 એપ્રિલ 2026 ના રોજ યોજનાર તાલુકા-જિલ્લા પંચાયત બેઠકોની ચૂંટણી દરમ્યાન શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે હેતુથી સુખસર પોલીસ સ્ટેશન પી.આઇ એમ.એમ.રાઠોડ, પી.એસ.આઇ. એમ.કે.દામા ઝાલોદ ડિવિઝન ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના ઓ દ્વારા સુખસર તાલુકામાં હાલથી જ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.અને પોલીસ સ્ટાફને ચૂંટણી સંબંધે હાલથી એલર્ટ કરી ચૂંટણી બંદોબસ્ત સમયે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બને નહીં તેની તકેદારી રાખવા સલાહ સૂચનો આપવામાં આવી રહ્યા છે.અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તેવી પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
