દાહોદમાં વિદેશી દારૂની હેરાફેરી પર મોટો પ્રહાર: આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી બે આઇસર ગાડી સાથે ₹2.27 કરોડનો મુદ્દામાલ જપ્ત..

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં વિદેશી દારૂની હેરાફેરી પર મોટો પ્રહાર: આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી બે આઇસર ગાડી સાથે ₹2.27 કરોડનો મુદ્દામાલ જપ્ત..

ઇન્દોર–અમદાવાદ નેશનલ હાઇવે પર ખંગેલા ચેકપોસ્ટે બે અલગ બનાવોમાં 1.92 કરોડનો વિદેશી દારૂ અને બે ગાડીઓ કબજે, 

રાજસ્થાનના બે ચાલકોની ધરપકડ;પંજાબથી વેરાવળ સુધીની સપ્લાય ચેઇન તપાસ હેઠળ

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લા પોલીસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત મધ્ય પ્રદેશ ગુજરાતને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર બે અલગ અલગ બનાવોમાં આઇસર ગાડીમાં સંતાડેલા એક કરોડ 92 લાખ ઉપરાંતના વિદેશી દારૂ તેમજ 35 લાખ રૂપિયા કિંમતની બે આઇસર ગાડીઓ મળી કુલ બે કરોડ 27 લાખ ઉપરાંતનો પ્રોહિબિશન સાથેનો મુદ્દામાલ કબજે લીધો છે. સાથે વિદેશી દારૂ લાવનાર બંને ગાડીઓના ચાલકોની ધરપકડ કરી છે. હવે પોલીસ બંને આઇસર ગાડીઓમાં દારૂ ભરી આપનાર અને ગુજરાતના કયા શહેરમાં આ વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં નો જથ્થો મંગાવ્યો તે અંગે તપાસનો દોર લંબાવ્યો છે.

 

ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી ખંગેલા ચેકપોસ્ટ પરથી દરરોજના 10 થી 15 હજાર વાહનો પસાર થાય છે. ટેકનીકલી બધા વાહનોને ચેક કરવા માટે પોલીસ માટે પણ અસંભવ હોય છે.આ પરિસ્થિતિનો લાભ લેવા માટે રાજસ્થાન મધ્યપ્રદેશ પંજાબ અને હરિયાણામાં બેસેલા વિદેશી શરાબનો કાળો કારોબાર કરતા માફીઆઓ અવારનવાર અલગ અલગ પ્રકારે વિદેશી શરાબ ગુજરાતમાં ઘૂસણખોરી કરાવવા સક્રિય થાય છે.પરંતુ દાહોદ બાતમીદારોના નેટવર્ક વડે વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લે છે.તેવી જ રીતે દાહોદ પોલીસે ગઈકાલે વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો આંતરરાજ્ય ચેક પોસ્ટ ઉપરથી ઝડપી પાડ્યો છે. જેમાં બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક આઇસર ગાડીને ઝડપી હતી જેમાં ટ્રકના ચાલક છોગારામ રામલાલ બિશ્નોઈ (થોરી) (રહે.રાજસ્થાન)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટ્રકની તલાટી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં ડાંગરના ભુસાની આડમાં સંતાડી રાખેલ અને હેરાફેરી કરવામાં આવતો વિદેશી દારૂ તથા બિયર ની પેટીઓ નંગ.૧૧૭૬ જેમાં બોટલો નંગ.૨૬૭૮૪ જેની કિંમત રૂપીયા ૧,૮૪,૩૦,૦૮૦ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ પોલીસે કબજે કર્યો હતો. ટ્રકની કિંમત મળી પોલીસે ૨,૦૪,૫૩,૯૮૦ કુલ રૂપીયા બે કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ચાલકની પોલીસે પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો પંજાબ થી ભરી લાવી વેરાવળ પાસે કોઈક ઈસમને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું.

તેવી જ રીતે ખગેલા ચેકપોસ્ટ પર Rj -17 -GB -2278 ટ્રકને રોકી તલાસી લેતા તેમાંથી સડેલા બટાકાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 152 પેટીઓ મળી 8.02 લાખનો બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે જ પોલીસે 15 લાખ રૂપિયા કિંમતની આઇસર ગાડી તેમજ ચાલક રાજસ્થાન ભવાની મંડીના ઈશ્વર મદનલાલ ગેલોતની ધરપકડ કરી કુલ 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share This Article