રાજેશ વસાવે :- દાહોદ
સિંગવડ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ
દાહોદ તા. ૧૯
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી, ગાંધીનગર તથા શ્રી ગુજરાત રાજ્ય દ્વારા સંચાલિત વનવાસી સેવા યુવક મંડળ સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, સિંગવડનો વાર્ષિક મહોત્સવ છાપરવડ મોડેલ સ્કૂલના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાયો હતો.
સિંગવડ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ છાપરવડમાં યોજાયો હતો. જેમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ અધ્યક્ષસ્થાને રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે શિક્ષણ પ્રત્યે સરકારની ગંભીરતા દર્શાવતા જણાવ્યું હતું કે સરકાર રાજ્યની ૧૦૮ મોડેલ શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં પણ બહેતર સુવિધાઓ આપી રહી છે. પ્રત્યેક વિદ્યાર્થી પાછળ વાર્ષિક રૂ. 1.47 લાખનો જંગી ખર્ચ કરે છે. ત્યારે સમાજના દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક આ તકનો લાભ લેવો જોઈએ.

કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે શિક્ષિત બાળકોને આધુનિક સુવિધાઓ આપવાના વડાપ્રધાનના સંકલ્પને દોહરાવ્યો હતો. રાજ્યમંત્રી પી.સી. બરંડાએ પણ કાર્યક્રમને સંબોધન આપ્યું હતું.
વાર્ષિક મહોત્સવને એક અનન્ય પહેલ ગણાવવામાં આવી હતી જ્યારે મંત્રી રમેશભાઈ કટારાએ ઉત્સાહવર્ધક સંબોધન કર્યું હતું. મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ વિજેતા તેજસ્વી વિદ્યાર્થીઓ અને આચાર્યોનું મહાનુભાવો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
રોશનીથી ઝળહળતા શાળા સંકુલમાં વિદ્યાર્થીઓએ વિવિધ થીમ પર આકર્ષક લોકનૃત્યો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓએ પણ બાળકોની કલાને બિરદાવેલી હતી. સમગ્ર કાર્યક્રમ આદિજાતિ વિસ્તારમાં બદલાતા શૈક્ષણિક સ્તરની પ્રતીતિ કરાવતો રહ્યો હતો.
કાર્યક્રમમાં જી.પં. પ્રમુખ કરણસિંહ ડામોર, વારાસભ્યો કુબેરભાઈ ડીંડોર, બચુભાઈ ખાબડ, શલેષભાઈ ભાભોર, કનૈયાલાલ કિશોરી, હિન્દુભાઈ ભાભોર, ભાજપ ગુજરાત પ્રદેશ મંત્રી શંકરભાઈ આમલીયાર, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા, ગુજરાત સ્ટેટ ટ્રાયબલના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક, પ્રાયોજના વહીવટદાર સતીષ પટેલ સહિત મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ, આચાર્યો, વાલીમિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
