લગ્નની લાલચ આપી યુવતીને ગોંધી રાખવાનો આરોપ:ઝાલોદની યુવતીએ યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી

Editor Dahod Live
2 Min Read

દક્ષેશ ચૌહાણ: ઝાલોદ

Contents

લગ્નની લાલચ આપી યુવતીને ગોંધી રાખવાનો આરોપ:ઝાલોદની યુવતીએ યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી

ઝાલોદ તા.02

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં રહેતી રવિના (નામ બદલેલ) નામની યુવતીએ ઇન્સ્ટાગ્રામ મારફતે ઓળખાયેલા યુવક વિરુદ્ધ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગોંધી રાખવાનો ગંભીર આરોપ લગાવી ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અંદાજે બે વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર રવિનાની ઓળખાણ વિપુલ નરસીંગ ચારેલ (રહે. લખનપુર, સુખસર) સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે રૂબરૂ મુલાકાતો શરૂ થઈ અને અવારનવાર મળવાનું બન્યું હતું.ફરિયાદ અનુસાર, તા. 20-12-2025ના રોજ યુવકે રવિનાને મળવા બોલાવી જબરજસ્તી બાઈક પર બેસાડી લખનપુર સ્થિત તેની દુકાને લઈ ગયો હતો. ત્યાં ભાગીને લગ્ન કરવાની લાલચ આપી બે દિવસ સુધી દુકાનમાં ગોંધી રાખી હતી.

આ બાદ યુવક યુવતીને હિંદોલીયા ગામે લઈ ગયો અને બાદમાં વડોદરા લઈ જઈ લગ્ન કરી નોકરી કરવાની વાત કહી સંતરામપુર લઈ ગયો હતો. જોકે વાસ્તવમાં યુવક વડોદરા લઈ ગયો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.બાદમાં યુવક રવિનાને સુખસર ખાતે બજારમાં મૂકી “હવે તું તારા ઘરે જતી રહે” કહી ત્યાંથી જતો રહ્યો હતો. યુવતીએ પોતાના સંબંધીને ફોન કરીને બોલાવ્યા બાદ તેમના સહારે ઘરે પહોંચી સમગ્ર ઘટના પરિવારજનોને જાણ કરી હતી.પરિવારજનો સાથે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી લઈ જવાની કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article