બાબુ સોલંકી:સુખસર Exclusive Story
સુખસર તાલુકાના જવેસી સિંચાઈ તળાવથી પાટડીયા જતી નહેર વર્ષોથી બિસ્માર હાલતમાં:જવાબદારો કુંભકર્ણની નિંદ્રામાં?
જવેસી સિંચાઈ તળાવથી પાટડીયા જતી ઠેક ઠેકાણે તૂટેલી નહેરનું મરામત કામ થતું નથી: સ્થાનિક ખેડૂતો
વેડફાતા પાણીથી ખેતીમાં અનેક ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી: સીઝનમાં ખેડૂતોને પૂરતું પાણી નહીં મળતું હોવાની ઉઠેલી બૂમો
વર્ષોથી કેનાલમાં ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવા તંત્રના આંખ આડા કાન થતા હોવાની ગ્રામજનોની ફરિયાદ
સુખસર,તા.18
સુખસર તાલુકામાં ત્રણ સિંચાઈ તળાવમાં આવેલા છે.જેમાંથી ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવામાં આવે છે.પરંતુ કેટલાક ગામડાઓમાંથી પસાર થતી આ કેનાલોની વર્ષો સુધી રીપેરીંગ કામગીરી નહીં કરાતા તેમજ કેનાલમાં ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરવામાં નહીં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.જેની રજૂઆત નાની સિંચાઈ ઝાલોદના જવાબદારોને કરવામાં આવે છે.ત્યારે ખેડૂતોની રજૂઆત પ્રત્યે આંખ આડા કાન કરી સબ ચાલતા હૈ ની નીતિ અપનાવવામાં આવવામાં આવી રહી હોવાનું ઉઠતી સ્થાનિકોની ફરિયાદો ઉપરથી અને પ્રત્યક્ષ જોતા જણાઈ આવે છે.ત્યારે લાગતા- વળગતા તંત્ર ઉપર સરકારની કોઈ પક્કડ ન હોવાનો અથવા સરકારના શાસનને સ્થિર રાખવામાં આડખીલી રૂપ બનવાની ટેક લઈને બેઠા હોય તેમ કેટલાક વહીવટી તંત્રો ભૂમિકા ભજવી રહ્યા હોવાનો અહેસાસ થાય તેમાં કોઈ બે મત નથી.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકો અંતરિયાળ વિસ્તારમાં આવેલ છે.જેમાં જવેસી,મારગાળા તથા નીંદકાપૂર્વમાં સિંચાઈ તળાવો આવેલા છે.અને આ તળાવો માંથી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે.પરંતુ જવેસી સિંચાઈ તળાવ માંથી જવેસી, પાટડીયા થઈ ખાતરપૂરના મુવાડા સુધી જે કેનાલ જાય છે તેની છેલ્લા આઠેક વર્ષથી સાફ સફાઈના અભાવે કેનાલ ઠેક ઠેકાણે તૂટી જવા પામેલ છે.તેમજ કેનાલની અંદર મોટા મોટા વૃક્ષો ઊગી નીકળતા કેનાલ જંગલના રૂપમાં ફેરવાઈ ગયેલ છે.જ્યારે જે જગ્યાએ જવેસીથી આ કેનાલ નીકળે છે ત્યાં જ મરામતની જરૂર છે.પરંતુ તેની વર્ષોથી મરામત કામગીરી કરવામાં આવતી નથી.જ્યારે પાટડીયા,ખાતરપુરના મુવાડા તરફ જતી કેનાલ વચ્ચે અનેક જગ્યાઓ ઉપર તૂટી જતા લીકેજ થઈને આવતું કેનાલનું પાણી જ્યાંને ત્યાં ખેતીલાયક ખેતરોમાં વેડફાતા ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી પણ કરી શકતા નથી.જ્યારે જે ખેતરોમાં ખેતી કરે છે ત્યાં આ તૂટેલી અને વૃક્ષોના ઝુંડમાં જંગલી ભૂંડો વસવાટ કરતાં રહ્યો સહ્યો પાક પણ જંગલી ભૂંડો ભેલાણ કરી નાખે છે.જેથી ઝાડી ઝાંખરાથી ઢંકાયેલી અને તૂટેલી નહેરના કારણે મોટાભાગના ખેડૂતો સીઝનમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં મેળવી શકતા પોતાની ખેતીમાં ખેતી માંથી પૂરતું વળતર મેળવી શકતા નથી. જેથી ખેડૂતો અસહ્ય મુશ્કેલી ભોગવી રહ્યા છે.
જવેસી સિંચાઈ તળાવની લગભગ વર્ષ 2010માં સાફ-સફાઈ કરવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ 2019 માં આ સિંચાઈ તળાવના સિંચાઈ ખાતાના જવાબદારો અને મંડળી દ્વારા ગામના લોકો પાસે દૈનિક મજૂરી આપવાની શરતે સાફ-સફાઈ કરાવવામાં આવી હતી.પરંતુ આ સાફ-સફાઈમાં દશ થી પંદર દિવસ સુધી મજૂરોને મજૂરી કામ કરાવ્યા બાદ હાલ આઠ વર્ષ બાદ પણ તેમની મજૂરી કામના નાણા આજ દિન સુધી નહીં આપી મજૂરો સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.ત્યારે પાટડીયા ગામના સ્થાનિકોની માંગ છે કે,જવેસી સિંચાઈ તળાવથી પાટડીયા થઈ ખાતરપુરના મુવાડા જતી કેનાલની તાત્કાલિક સાફ-સફાઈ કરવામાં આવે તથા કેનાલની મરામત કામગીરી કરી ખેતરોમાં વહી જતા પાણી રોકી ખેડૂતોને ખેતીથી વંચિત કરવા ની કોશિશ બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
નહેરમાં ઝાડી જાખરાનો સામ્રાજ્ય,ભંગાર થી ખેતરોમાં પાણી, અનેકવાર રજૂઆત કરવા છતાંય પરિણામ શૂન્ય.!
જવેશી સિંચાઇ તળાવથી નહેર નીકળે છે.ત્યાં જ વર્ષોથી ભંગાણ સર્જાયેલ છે.જેના લીધે લીકેજ થઈ આવતું પાણી ખેતરોમાં જતા અમો અમારી ખેતીલાયક જમીનમાં ખેતી કરી શકતા નથી.અમોએ અમારા ગામની સિંચાઈ મંડળી તથા નાની સિંચાઈ ઝાલોદના જવાબદારોને અનેક વાર રજૂઆત કરવા છતાં તેના પ્રત્યે કોઈ દરકાર લેતા નથી.અમારી માંગણી છે કે નહેરની મરામત કામગીરી થાય તથા ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા સાફ કરવામાં આવે અને વેડફાતા પાણીના લીધે અમારા ખેતરોનો બગાડ થવો ન જોઈએ તે બાબતે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી અમારી માંગણી છે.
સાત વર્ષ અગાઉ પાટડીયા નહેરની સફાઈના નાણા હજી ચૂકવ્યા નથી:ગીતાબેન સરદારભાઈ પરમાર, સ્થાનિક પાટડિયા
સાત વર્ષ અગાઉ અમો અનેક મજૂરોએ પાટડીયા નહેરની સાફ સફાઈ કરવા માટે પંદર દિવસ સુધી મજૂરી કામ કરેલ હતું.જેની મજૂરી કામના નાણાં આજ સુધી અમોને આપવામાં આવ્યા નથી.અને આ નાણાં કોના પાસે આવ્યા અને કોણે લીધા તે પણ અમો જાણતા નથી. અમોને અમારી મજૂરી કામના નાણા મળે તેવી અમારી માંગણી છે.
ઝાલોદ નાની સિંચાઈ કચેરી રામ ભરોસે, દિવસ દરમિયાન બારી દરવાજા ખુલ્લા, કર્મચારીઓ ગેરહાજર.!
ઝાલોદ નાની સિંચાઈ કચેરી દ્વારા ચેકડેમ,સિંચાઈ તળાવ,નહેર,મીની એલ.આઇ જેવી વર્ષે કરોડો રૂપિયાની કામગીરી કરવામાં આવે છે.પરંતુ સ્થાનિક જવાબદારો મનસ્વી રીતે વહીવટ કરતા હોય સરકારના નિયમો મુજબ કેટલીક કામગીરી કરાતી નહીં હોવાની ફરિયાદો ઊઠે છે.જોકે ઝાલોદ નાની સિંચાઈ કચેરીમાં લાખો રૂપિયાના કોમ્પ્યુટર સાધનો તેમજ ડોક્યુમેન્ટ રાખેલ હોવા છતાં કચેરીના બારી દરવાજાઓ તૂટેલી હાલતમાં જોવા મળે છે જો કચેરીના જવાબદારો પોતાની ઓફિસના બારી દરવાજા સુધારી શકતા ન હોય તો ચેકડેમ,સિંચાઈ તળાવ,નહેરની હાલત સુધારવા કેટલા સક્ષમ છે?તે એક પ્રશ્ન છે. તેમજ આ કચેરી ના જવાબદારો મોટાભાગે કચેરીમાં હાજર નહીં રહેતા અંગત કામોમાં ફરતા હોવા છતાં સાઇડ ઉપર ગયેલ હોવાના આ કચેરીના સેવક દ્વારા જવાબો આપવામાં આવતા હોય છે.સુખસર તાલુકામાં ઝાલોદ નાની સિંચાઈ કચેરી દ્વારા કરવામાં આવેલ કામગીરીની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ જણાઈ રહ્યું છે.