રાજેશ વસાવે: દાહોદ
દાહોદના જુની ગાડીના લે-વેચ કરનાર વેપારી સાથે અમદાવાદના વેપારીએ કરી ઠગાઈ, ₹1.98 લાખની છેતરપિંડી
જુની ઈનોવા અને સ્વિફ્ટ ગાડી ન આપતા તથા રૂપિયા પરત ન કરતાં દાહોદ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ, તપાસ શરૂ
દાહોદ તા. ૧૭
દાહોદ શહેરમાં જુની ગાડીઓની લે વેચ કરતાં વેપારીએ અમદાવાદમાં જુની ગાડીઓનો લે વેચનો ધંધો કરતાં વેપારી પાસેથી ગાડીઓ મંગાવી હતી. ત્યારે નક્કી કર્યા મુજબની ગાડીઓ દાહોદના વેપારીને ન આપતાં અને દાહોદના વેપારીએ અમદાવાદના વેપારીને આપેલ રૂપીયા ૧,૯૮,૦૦૦ પણ પરત ન કરતાં આ સંબંધે દાહોદના વેપારીએ અમદાવાદના વેપારી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે
દાહોદ શહેરમાં ગોધરા રોડ વિસ્તારમાં આવેલ નવરંગ સોસાયટીમાં રહેતાં અસ્લમખાન નિઝામખાન પઠાણ અને અમદાવાદમાં વાણીજ્ય ભવન કાકરીયા રોડ વિસ્તારમાં રહેતાં પ્રવિણકુમાર હનુમાનચંદ જૈન આ બંન્ને જુની ગાડીઓ લે વેચનો ધંધો કરે છે. ગત તા.૦૫.૦૩.૨૦૨૫ થી તારીખ ૦૯.૦૩.૨૦૨૫ના સમયગાળા દરમ્યાન દાહોદના વેપારી અસ્લમખાન પઠાણે અમદાવાદના વેપારી પ્રવિણકુમાર જૈન પાસેથી જુની ઈનોવા તથા સ્વીફટ ગાડી વેચાણ રાખી હતી અને બે વખત ફોન પે મારફતે રૂપીયા ૧,૯૮,૦૦૦ પ્રવિણકુમાર જૈનના બેન્ક ખાતામાં નાખ્યા હતાં પરંતુ અમદાવાદના વેપારી પ્રવિણકુમાર જૈન દ્વારા દાહોદના વેપારી અસ્લમખાન પઠાણને નક્કી કર્યા મુજબની ગાડીઓ નહી આપી તેમજ પૈસા પણ પરત નહી આપી વિશ્વાસઘાત, ઠગાઈ કરતાં આ સંબંધે અસ્લમખાન નિઝામખાન પઠાણે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.