રાજેશ વસાવે :- દાહોદ
નેશનલ હાઈવે પરબે ટ્રકો ધડાકાભેર અથડાઇ: રસ્તા પર ડીઝલ વેરાતા ટ્રાફિકજામ
દાહોદ નજીક યૂટર્ન લેતી ટ્રકને અન્ય ટ્રકે પાછળથી ટક્કર મારી, ત્રણ ઈજાગ્રસ્ત
દાહોદ તા.18

અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદના મુવાલિયા નજીક આજે બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા અને રોડ પર ડીઝલ ફેલાઈ જતાં ટ્રાફિક અવરોધાયો હતો. હાઈવે ક્રોસિંગ પાસે એક ટ્રક યૂટર્ન લઈ રહી હતી તે દરમિયાન પાછળથી ઝડપે આવી રહેલી બીજી ટ્રકે તેને ટક્કર મારી હતી. ટક્કરના કારણે યૂટર્ન લેતી ટ્રકની ડીઝલ ટાંકી ફાટી ગઈ હતી. ડીઝલ ટાંકી ફાટવાને કારણે મોટી માત્રામાં ડીઝલ રોડ પર ફેલાઈ ગયું હતું. અકસ્માતમાં બંને ટ્રકોના ચાલકો અને ક્લીનરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ત્રણેયને ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 112ની ટીમ અને રૂરલ પોલીસે પણ સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. રોડ પર ડીઝલ ફેલાઈ જવાને કારણે ઈન્દોર જવાની એક તરફની લેન થોડા સમય માટે બંધ રાખવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બંને વાહનોને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.