રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ SBI લોન કૌભાંડ:બન્ને પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજૂ કરી 9000 પાનાની ચાર્જશીટ
તત્કાલિકન બેંક મેનેજર,એજન્ટો તેમજ લોનધારકોની મિલી ભગત,31 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
Sbi ની બે અલગ અલગ બ્રાન્ચોમાં મેનેજર એજન્ટ તેમજ લોન ધારકોએ ભેગા મળી 6.34 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું.
દાહોદ તા. ૧૧
દાહોદમાં થોડા સમય પહેલા એટલે કે જુલાઈ 2025 માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બે શાખાઓમાં 6.34 કરોડ રૂપિયાના લોન કૌભાંડ સામે આવ્યો હતો.આ કેસમાં પોલીસે આખરે તપાસ પૂર્ણ કરીને અધધ 9000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં કરી છે. જોકે ઉપરોક્ત લોન કૌભાંડમાં નોંધાયેલા બે જુદી જુદી ફરિયાદોમાં બેન્કના તત્કાલીન મેનેજર સહિત કુલ 31 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરમાં SBIની માણેકચોક શાખામાં 20 જૂન 2022થી 13 ફેબ્રુઆરી 2024 વચ્ચે ગેરકાયદેસર રીતે લોન મંજૂર કરીને લોન કૌભાંડ આચરાયો હતો.જેમાં નકલી પગાર સ્લિપ અને અન્ય બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો. આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બેન્ક દ્વારા આંતરિક તપાસ બાદ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં જુલાઈ 2025માં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બેન્કના અધિકારી નિતિન ગોપીરામ પુડીંગે દ્વારા નોંધાવાઈ હતી. જેના આધારે પોલીસે તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંગ બેદી અને 19 લોનધારકો કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તેવી જ રીતે SBIની સ્ટેશન રોડ શાખાનું કૌભાંડ 1 સપ્ટેમ્બર 2021થી 20 જૂન 2024 વચ્ચે આચરાયુ હતું. જેમાં બ્રાન્ચ મેનેજર મનીષ વામનરાવ ગવલે અને 10 લોન ધારકો હતાં.આ બંને પ્રકરણમાં પોલીસે બંને શાખાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત સંડોવાયેલા લોકોને ઝડપી પાડ્યા હતા. કુલ 6.34 કરોડ રૂપિયાની ખોટી રીતે લહાણી કરવાના આ આર્થિક ગુનાની ગંભીરતા જોતાં પોલીસે તમામ પુરાવા અને આરોપીઓના નિવેદનો સાથે કુલ 9000 પાનાની વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી છે.
કેસ કાગળોની ઝેરોક્ષ કરાવવાનો ખર્ચ 28 હજાર રૂપિયા થયો
એસબીઆઇ બેંકના લોન કૌભાંડ મામલે એ અને બી ડિવિઝનમાં બે જુદી-જુદી ફરિયાદો નોંધાઇ હતી. ત્યારે કોર્ટમાં ચાર્જશીટમાં મુકવાના કેશ કાગળો ઉપરાંત વકીલ અને આરોપીઓને પણ એક-એક કોપી આપવાની થાય છે. આ કેસોના કાગળોની ઝેરોક્ષ કરાવવામાં પોલીસને 28 હજાર રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જાણવા મળ્યુ છે.
ખોટી રીતે લોન લેવાની મોડ્સ ઓપરેન્ડી આચરાઈ હતી.
મનેજરોના મેળાપીપણામાં એજન્ટો સાથે મળીને આરોપીઓએ નકલી શિક્ષક,એસ.ટી. ડ્રાઇવર બનીને બનાવટી પગાર સ્લિપ્સ બનાવી હતી. વધુમાં, લોન મેનેજમેન્ટ સિસ્ટમ (RLMS)માં નેટ સેલેરીને બદલે ગ્રોસ સેલેરીની ખોટી એન્ટ્રી કરીને વધુ રકમની લોન મેળવી હતી. મેનેજરે NPA કે ઓવરડ્યુ ખાતા હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને લોન મંજૂર કરી હતી. આરોપીઓએ નોકરીનું સ્થળ ખોટું બતાવ્યું હતું અને બનાવટી પગાર સ્લિપ્સ રજૂ કરી હતી. બ્રાન્ચ મેનેજરે દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા વિના જ મોટી લોન રકમ મંજૂર કરી દીધી હતી.
નકલી એનએ કેસમાં પ્રકરણમાં પણ 9 હજાર પાના હતા
દાહોદના નકલી એન.એ. કેસમાં દાખલ થયેલી તમામ ફરિયાદોમાં પણ દાહોદ પોલીસે આરોપીઓ સામે 2600 અને 6370 પાના મળીને કુલ 8970 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
…