રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નગરપાલિકાના કર્મચારીઓની દિવાળી સુધરી,સાતમા પગાર પંચનો લાભ મળતા ખુશીની લહેર
વર્ષોથી લટકતી માંગણીને મંજુરી મળતા દાહોદ નગરપાલિકાના કર્મચારીઓમાં આનંદનો માહોલ
ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખનો કર્મચારીઓએ વ્યક્ત કર્યો આભાર
પાલિકાના કર્મચારીઓનો સાતમો પગાર પંચ તેમજ તેમનો નવા પગારધોરણ મુજબનો એરિયસ પણ ચૂકવી દેવાયયો
દાહોદ તા.૦૧

દાહોદ નગરપાલિકા કર્મચારી મંડળના છેલ્લા ઘણા વર્ષોથી પગાર વધારાની માંગણીને ખરા અર્થમાં ન્યાય મળતા નગરપાલિકાના કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી જેમાં સાતમા પગાર પંચ લાગુ કરવામાં આવતા કર્મચારીઓમાં હર્ષ છવાઈ ગયો હતો.

દાહોદ નગરપાલિકામાં કાર્યરત પાલિકાના કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી પગાર વધારાની માંગણીની સાથે સાથે સાતમા પગાર પંચની માંગણીની સંબંધિત તંત્રને અનુકવાર રજૂઆત કરી હતી. ત્યારે દાહોદ નગરપાલિકામાં બિરાજમાન નવા ચીફ ઓફિસરે તેઓના પહેલા જ દિવસની દાહોદ નગરપાલિકાની સત્તામાં નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો સામે નજર કરી હતી અને ખાસ કરીને તેઓના પગાર વધારા અને સાતમા પગાર પંચની માંગણીને ધ્યાને લઈ કર્મચારીઓ પાસે તેઓની માંગણીની ફાઈલો મંગાવી હતી. દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ ની કામગીરીના અંતે દાહોદ નગરપાલિકાના કર્મચારીઓના સાતમા પગાર પંચ ની માંગણીને પૂરી કરતા પાલિકાના કર્મચારીઓમાં આનંદ છવાઈ ગયો હતો. દિવાળી ટાણે પાલિકાના કર્મચારીઓના બેન્ક ખાતામાં સાતમા પગાર પંચની રકમ જમા થતા તેઓએ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખનો આભાર માન્યો હતો.