
#DahodLive#
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રોના જામીન નામંજૂર,ચીફ કોર્ટે ફગાવી અરજી.!
અગાઉ 71 કરોડના મનરેગા કૌભાંડમાં બન્ને ભાઈઓને દાહોદની કોર્ટે જામીન આપતાં મામલો હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
દાહોદ તા. 03
દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં જેલવાસો ભોગવી રહેલા બંને મંત્રી પુત્રોની જામીન અરજી સંદર્ભે દાહોદની ચીફ કોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી જેમાં દલીલોના અંતે દાહોદની કોર્ટે બંને મંત્રી પુત્રોની જામીન અરજી ફગાવી દીધા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય બાબત છે કે અગાઉ 71 કરોડના મનરેગા કૌભાંડમાં બંને મંત્રી પુત્રોને દાહોદની ચીફ અને સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજુર કર્યા હતા. જે બાદ મંત્રી પુત્રોની જામીન અરજી સામે પોલીસે હાઇકોર્ટમાં રીટ કરી છે જેની સુનવણી હાલ પેન્ડિંગ છે.
દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડની સાથે સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું. આ કેસમાં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી. અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કે બાદ બંનેને દાહોદની ચીફ કોર્ટે જામીન આપતા પોલીસે અરજી સામે સ્ટેની માંગણી કરી હતી.કોર્ટે બીજા દિવસે પોતાનો નિર્ણય યથાવત રાખતા પોલીસે જામીન અરજી સામે સેશન્સ કોર્ટમાં રીટ દાખલ કરી હતી. દરમિયાન બળવંત અને કિરણ ખાબડ જેલ મુક્ત થતાં પોલીસે દેવગઢ બારીયા ના લવરીયા ગામે થયેલા 18.41 લાખના મનરેગા કૌભાંડમાં જેલ બહારથી કિરણ ખાબડની ધરપકડ કરી હતી. અને બળવંત ખાબડ ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે પોલીસે ધાનપુરના ભાણપુરમાં 33 લાખના મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડની પણ ધરપકડ કરી હતી. અને બંનેને જેલમાં મોકલી દીધા હતા. આ દરમિયાન 71 કરોડના મનરેગા કૌભાંડમાં સેશન્સ કોર્ટે બંને ભાઈઓની જામીન અરજી યથાવત રાખતા પોલીસે આ મામલે હાઇકોર્ટમાં રીટ કરી છે. જેની સુનવણી હાલ શરૂ થઈ નથી દરમિયાન બંને અલગ અલગ કેસોમાં બંને મંત્રી પુત્રોએ દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મુકતા આજે સુનવણીના અંતે ચીફ કોર્ટે બંને ભાઈઓના જામીન નામંજૂર કરતા હવે આ મામલે કાયદાકીય લડાઈમાં શું થાય છે. તે મહત્વપૂર્ણ બની રહેશે