
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને ધમકી આપતાં મામલતદાર તથા ટી.ડી.ઓને આવેદનપત્ર અપાયું*
*આફવા ગ્રામ પંચાયત અવિશ્વાસની દરખાસ્ત રદ થઈ તેના સમાચારો કેમ ના આપ્યા?નું જણાવી ધમકી આપી હતી*
*આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને મોટરસાયકલથી અકસ્માત કરવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી*
*આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા સામે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ સહિત ફતેપુરા પત્રકાર સંઘ દ્વારા મામલતદાર,ટી.ડી.ઓ ને આવેદનપત્ર અપાયા*
સુખસર.તા.30
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં કેટલાક અસામાજિક તત્વો બેફામ બનતા જઈ રહ્યા છે.અને ગરીબ,અભણ,અબુધ લોકોને રંજાડી રહ્યા છે.અને આવી બાબતો લાગતા- વળગતા તંત્ર સુધી જતા રફેદફે થઈ જાય છે.જેથી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળતા અને આચરતા ઈસમોને કોઈનો ડર રહ્યો નથી.તેવી જ રીતે સુખસરના એક પત્રકારને આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા દ્વારા ગ્રામ પંચાયતમાં આચરવામાં આવેલ લાખોની ગેરરીતી છુપાવવાના ઇરાદે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરના એક પત્રકાર 28 જૂન 2025 ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામા સુખસર બેંક ઓફ બરોડા પાસેથી પગદંડી પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે પાછળથી મોટરસાયકલ ઉપર આવેલા આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા ચેતન ઉર્ફે રમણ બીજીયાભાઈ વળવાઈ નાઓએ પોતાના કબજાની મોટરસાયકલને પુરપાટ દોડાવી લાવી પત્રકારને મોટરસાયકલથી ટક્કર મારવાની કોશિશ કરતા પત્રકાર રસ્તાની સાઈડમાં ખસી ગયા હતા. જ્યારે આ ચેતન વળવાઈએ પોતાના કબજાની મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા તે સુખસર સરકારી દવાખાનાના ગેટ પાસે પોતાની મોટરસાયકલ સાથે સ્લીપ ખાઈ ગયો હતો.જેને કોઈ બે વ્યક્તિઓએ આવી ઊભો કર્યો હતો.ત્યારબાદ પત્રકાર ચાના ગલ્લા ઉપર ગયા હતા.ત્યારે આ ચેતન વળવાઈ ચાના ગલ્લા ઉપર જઈ પત્રકાર સામે ઇશારો કરી જણાવતો હતો કે,આને તો હું પતાવી નાખીશ, આફવા ગ્રામ પંચાયત અવિશ્વાસની દરખાસ્ત મૂકી ત્યારે પેપરમાં આપ્યું હતું.જ્યારે આ દરખાસ્ત ઉડી ગઈ તેનું પેપરમાં કેમ ન આપ્યું?તેમ જણાવતા પત્રકારે જણાવેલ કે,આ તમારા ગામનો પ્રશ્ન છે.તેમાં મારે કોઈ લેવાદેવા નથી.અને મને તેની કોઈ માહિતી મળેલ નથી સાબિતી આપશો તો હું લખી દઈશ.તેમ જણાવતા ચેતન વળવાઈએ જણાવેલ કે,અમો સરપંચ બાયલા છીએ?ચીરી નાખીશ,ઉભો રાખીને ચીરી નાખીશ,મારે કોઈ લેવાદેવા નથી,બાકી ચીરી નાખીશ. તમારે જેને બોલાવવા હોય તેને બોલાવી લો,હું કાલથી ફરું છું.તેવી ધમકી આપવા છતાં સંયમ રાખી પત્રકાર કાંઈ પણ કહ્યા વગર ચાની દુકાન ઉપરથી જતા રહ્યા હતા.જોકે મહિલા સરપંચના સસરા દ્વારા પત્રકારને આપવામાં આવેલી ધમકી બાબતે પત્રકારે સમય સૂચકતા વાપરી વિડીયો લઈ લીધો હતો.જેની સાબિતી સાથે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. તેમજ આજરોજ ફતેપુરા તાલુકા મામલતદાર તથા ટી.ડી.ઓ.ને ફતેપુરા તાલુકા પત્રકાર સંઘના સભ્યો દ્વારા આવેદનપત્ર આપી આફવા ગ્રામ પંચાયત મહિલા સરપંચના સસરા વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવા પત્રકાર સંઘના સભ્યો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.