
બાબુ સોલંકી:-સુખસર
*ફતેપુરા તાલુકાના ભોજેલા ના 30 વર્ષીય યુવાનની લાશ મારગાળા નદીમાંથી ઇજાના નિશાન સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર*
*ગતરોજ દિવસ દરમિયાન મૃતક યુવાન સસરાના કુટુંબી વ્યક્તિ સાથે હતો તેની ભૂમિકા શંકાસ્પદ:મૃતકના પરિવારજનો*
સુખસર,તા.26
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં અવાર-નવાર શંકાસ્પદ હાલતમાં મૃત વ્યક્તિઓની લાશો મળી આવવાના બનાવોનો સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે.તેવી જ રીતે થોડા દિવસ અગાઉ ફતેપુરા તાલુકાના નવા તળાવ ગામના 32 વર્ષીય યુવાનની લાશ પટીસરા ગામેથી મળી આવવાના બનાવની શાહી સુકાઈ નથી તેવોજ વધુ એક બનાવ ભોજેલાનો યુવાન મંગળવારના રોજ સાસરીમાં ગયા બાદ તેની લાશ મારગાળા ગામેથી મળી આવતા પરિવારમાં હાહાકાર સાથે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના કુમાર ખાયા ફળીયા ખાતે રહેતા નરેશભાઈ રમણભાઈ ચારેલ(ઉંમર વર્ષ આ.30) ના ઓ ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાત ચલાવતા હતા. જેઓના લગ્ન મોટા નટવાના જાંબુડી ખાતે ગરાસીયા પરિવારમાં થયેલા હતા.જેઓ ગતરોજ જાંબુડી ગામે સાસરીમાં ગયા હતા.જ્યાં દિવસ દરમિયાન સસરાના કુટુંબી યુવાન સાથે રહ્યા હતા.ત્યારબાદ સાસરીના કુટુંબી યુવાન સાથે મારગાળા બાજુ તે યુવાનની સાસરીમાં જવા નીકળ્યા હતા.
ત્યારબાદ આજરોજ સવારના મારગાળાના કાચલા ફળિયા નદીના પુલ બાજુ રસ્તા ઉપરથી પસાર થતા લોકોએ ચારેક ફૂટ ઊંડા પાણીમાં મોટરસાયકલ સાથે કોઈ યુવાનની લાશ નદીમાં પડી હોવાનું નજરે પડતા આસપાસ માંથી લોકો ભેગા થઈ ગયા હતા.અને તેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.લાશને પાણીમાંથી બહાર કાઢી જોતા માથામાં તથા ખભા ઉપર ઇજાઓ જણાઈ આવી હતી.ત્યારબાદ પંથકમાં આ વાત વાયુવેગે ફેલાઈ જતા આ લાશની ઓળખ છતી થતા લાશ ભોજેલાના નરેશભાઈ ચારેલની હોવાનું બહાર આવ્યું હતું.જેની જાણ પરિવારજનોને થતા પરિવારમાં રોકકળ સાથે હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
નોંધનીય બાબત છે કે,મૃતક નરેશભાઈ ચારેલ ગતરોજ તેમની સાસરી મોટાનટવાના જાંબુડી ગામે ગયેલા હતા.અને ત્યાં સસરાના કુટુંબી યુવાન સાથે દિવસ દરમિયાન રહ્યા અને ફર્યા હતા.જ્યારે આજરોજ સવારના જે યુવાન સાથે નરેશભાઈ ગયા હતા તે યુવાન મૃતકના ઘરે આવ્યો હતો અને અન્ય કોઈપણ વાતચીત કર્યા વગર ઘરના સભ્યોને આપણે નરેશભાઈને જોવા નીકળીએ તેઓ બોરીદા હોવાની જાણ થયેલ છે તેમ જણાવ્યું હતું. જોકે આ યુવાન હાલમાં ઘરે નહીં હોવાનું અને નરેશભાઈ ચારેલ ના મોત બાબતે તેની ભૂમિકા શંકાસ્પદ હોવાનું મૃતકના પરિવારજનો દ્વારા જાણવા મળે છે. હાલ આ ઘટના બાબતે તરેહ તરેહની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.આ બાબતે સુખસર પોલીસ ઝીણવટ પૂર્વક તપાસ કરી રહી છે.અને લાશના પીએમ તથા પોલીસ તપાસ બાદ સત્ય હકીકત પ્રકાશમાં આવશે.