બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના આફવા ગામે અકસ્માતે કુવામાં પડી ગયેલી પુત્રીને બચાવવા જતા બે પુત્રી સહિત માતાનું મોત*
*એક ત્રણ વર્ષીય પુત્રી અકસ્માતે કુવામાં પડી હતી તેને બચાવવા નાની પુત્રી સાથે માતાએ કુવામાં ભુસ્કો મારતા ત્રણેયના મોત*
*માતા સહિત બે પુત્રીઓની લાશનું દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ફોરેન્સી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું*
સુખસર,તા.1
ફતેપુરા તાલુકાના આફવા ગામે ગતરોજ એક પરિવારમાં ગોઝારી ઘટના બની છે.તેમાં એક ત્રણ વર્ષીય પુત્રી કુવામાં અકસ્માતે પડી જતા તેને બચાવવા માતાએ બીજી નાની પુત્રી સાથે કુવામાં ભુસ્કો મારતાં માતા સહિત બે બાળકીઓના પાણી પી જવાના કારણે મોત નીપજતા આફવા ગામ સહિત પંથકમાં હાહાકારની લાગણી ફેલાઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગામે મહુડી ફળિયામાં રહેતા લીલાબેન રાજુભાઈ નાથાભાઈ વળવાઈને સંતાનમાં બે પુત્રીઓ મોહિનીબેન તથા દિવ્યાબેન હતી.જેમાં શુક્રવારના રોજ સવારના માતા લીલાબેન બાળકીઓ સાથે કુવા બાજુ ગયા હતા.જે પૈકી બે મોહિનીબેન રમતા રમતા અકસ્માતે કૂવામાં પડી ગઈ હતી.જેની જાણ તેની માતા લીલાબેનને થતા કાંઈ પણ વિચાર્યા વિના કુવામાં પડેલી મોહિની બેનને બચાવવા પાસે રહેલી એક વર્ષીય દિવ્યાબેન સાથે કુવામાં ભુસ્કો માર્યો હતો.જેથી કુવાના ઊંડા પાણીમાં બે પુત્રી સહિત માતા ગરકાવ થઈ ગઈ હતી.જેની જાણ પરિવારજનો તથા ગ્રામજનોને થતા કુવા ઉપર લોક ટોળા ઉમટી પડ્યા હતા.અને કુવામાં જોતા બંને નાની બાળકીઓના મૃતદેહ તરતા જોવાયા હતા.જ્યારે લીલાબેનનો મૃતદેહ નહીં જોવાતા ઝાલોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જ્યાંથી ફાયર લાસ્કરો ઘટના સ્થળે આવી લીલાબેનની લાશને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.જ્યારે આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે માતા સહિત બંને પુત્રીઓના મૃતદેહનો કબજો લઈ મૃતદેહોને ફોરેનસિક પોસ્મોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી પી.એમ કરાવવામાં આવ્યું હતું.
ઉપરોક્ત ઘટના સંદર્ભે સુખસર પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.તથા પ્રાથમિક તપાસમાં કૂવામાં પડી જતા ત્રણેયના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
લીલાબેનને તેમના પતિ રાજુભાઈ વળવાઈ કે પરિવારના કોઈ સભ્યો સાથે આજ દિન સુધી કોઈપણ બાબતે અણબનાવ કે લડાઈ ઝઘડા અમોએ જોયા નથી.પરંતુ મોટી પુત્રી કૂવામાં અકસ્માતે પડતાં તેને બચાવવા કોઈપણ જાતનો વિચાર કર્યા વિના પાસે તેડેલી નાની બાળકીને લઈ લીલાબેને કુવામાં ઝંપલાવ્યું હોય તેવું અમારું અનુમાન છે.તેમજ લીલાબેનના લગ્ન બાદ વર્ષો પછી બે પુત્રીઓનો જન્મ થયો હતો.બે બાળકીઓના મૃતદેહ કુવામાં તરતાં જોવા મળતાં અમોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.અને લીલાબેન આત્મહત્યાનુ પગલું ભરે તેવું અમોને લાગતું નથી.
*(ભરતભાઈ મકવાણા,મૃતકના નજીકના સગા મકવાણાના વરૂણા )*