રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના જમીન કૌભાંડમાં હકીકતલક્ષી અહેવાલ પ્રાપ્ત કરવા માટે 21 ગામોમાં રી સર્વેની કામગીરી હાથ ધરાશે.
એન્ડ યુઝર્સ માટે નીતિ બનાવવા જિલ્લા બહારથી સર્વે કરવા 10 થી વધુ ટીમો કામે લાગશે..
હકીકતલક્ષી અહેવાલ મેળવી રેગ્યુલાઈઝ માટે નીતિ બનાવવા રીસર્વે કામગીરી કરાવવાનું અનુમાન.
દાહોદ તા.04
દાહોદ શહેર અને તેની આસપાસનાં ગામોમાં નકલી હુકમોના આધારે જમીન બિનખેતી કરવાના કૌભાંડના શંકાસ્પદ સર્વે નંબરોમાં તંત્ર દ્વારા હકીકતલક્ષી અહેવાલ મેળવવા માટે ફરીથી માપણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોનોફાઇડ પરચેસરો માટે નીતિ બનાવવા માટે આ કામગીરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં કલેકટરાય કચેરી દ્વારા જાણવા મુજબ આગામી દિવસોમાં દાહોદના કુલ 21 ગામોમાં ખેર માપણી કરવામાં આવશે.જોકે આ કામગીરી વેગવંતિ બનાવવા માટે જિલ્લા બહારથી સર્વેયરો બોલાવવામાં આવશે. સર્વે અને માપણીની આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેર અને તેની આસપાસના ગામોમાં જમીનો NA કરવાની પ્રોસીજરનો ભંગ કરવા સાથે નકલી હુકમોનો ઉપયોગ કરીને જમીન NA કરાવી સરકારને ભરવાપાત્ર પ્રિમીયમની રકમ નહીં ભરી છેતરપીંડી કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા જુદી-જુદી 9 જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી છે.અને તેમાં શામેલ સરકારી કર્મચારીઓ સહિત 125 થી વધુ લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રકરણને કારણે બાંધકામની સાઇડો બંધ થઇ જતાં કડિયા,મજુરો સહિતનાં શ્રમિકોની રોજગારી છીનાવાઇ ગઇ છે.આવી જમીનો ઉપર ફ્લેટ કે ઘર લેનારા લોકોને વીજ મીટરો નથી મળી રહ્યા.આ સહિતની વિવિધ વિડંબનાઓને કારણે દાહોદ શહેરની ઇકોનોમીને ભારે ફટકો પડ્યો છે. આ પ્રકરણ શરૂ થયાને આઠ માસ જેટલો સમય થઇ ગયો છે. પોલીસની તપાસ હવે અંતિમ ચરણોમાં છે ત્યારે બોનોફાઇડ પરચેસરો માટે નીતિ બનાવવાની હિલચાલ હવે શરૂ કરવામાં આવી છે. ત્યારે આ માટે તંત્ર દ્વારા ખાલી જમીનો બાદ કર્યા સિવાયના તમામ સર્વે નંબરોનું ફરીથી સર્વે કરવા સાથે તેની માપણીની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. જેમા દાહોદ, જાલત, ગમલા, હિમાલા, ઉકરડી, નસીરપુર, રામપુરા, કતવારા, દેલસર, સાકરદા, બોરવાણી, ધામરડા, છાપરી, પુંસરી, ઉસરવાણ, નગરાળા, રાબડાલ, ભંભોરી, કાળીતળાઈ, ખરોડ અને માંડાવાવ સહિતના 21 ગામોમાં આ સર્વે કામગીરી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.આ કામગીરી ઝડપી કરવા માટે જિલ્લા બહારથી સર્વેયરો બોલાવવામાં આવશે. આ માટે 10 ટીમો બનાવીને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવશે. જેને લઈને કલેક્ટર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત ગામોમાં આગામી દિવસમાં હકીકત લક્ષી અહેવાલ મેળવવા માટે કામગીરી હાથ ધરાય તે સમયે કોઈપણ પ્રકારની અફવા કે અન્ય કોઈ સત્યહીન વગરની વાતો ન ફેલાય તે માટે પહેલેથી જ સાવચેત કરવામાં આવ્યા છે.