રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાની ભાભરા ચોકડી ઉપર બાઇકની અડફેટમાં ચાલતા જતાં વૃધ્ધનું મોત
મ.પ્ર.ના 70 વર્ષિય વૃધ્ધ ગરબાડા જતા હતા : અકસ્માત કરી બાઇક સ્થળ ઉપર મુકી ચાલક ફરાર : ગરબાડા પોલીસે ચાલક સામે ગુનો દાખલ કર્યો
ગરબાડા તા. ૬
ગરબાડાની ભાભરા ચોકડી ઉપર બાઇકની અડફેટમાં ચાલતા જતાં મ.પ્ર.ના વૃધ્ધનું મોત નિપજ્યું હતું. માથામાં ગંભીર ઇજા થતાં ટુંકી સારવારમાં મોત થયું હતું. અકસ્માત કરી બાઇક ઘટના સ્થળે મુકી ભાગી ગયેલા ચાલક સામે ગરબાડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના સેજાવાડા ગામના 70 વર્ષિય વૃધ્ધ વેસ્તાભાઇ કાળીયાભાઇ ડામોર ગતરોજ સવારે ચાલતા ચાલતા ગરબાડા જતા હતા. તે દરમિયાન ગરબાડા ભાભરા ચોકડી નજીક હાઇવે ઉપર એક મોટર સાયકલ ચાલક તેના કબજાની મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વેસ્તાભાઇને પાછળથી ટક્કર મારી અકસ્માત કરી રોડ ઉપર પાડી મોટર સાયકલ સ્થળ ઉપર મુકી નાસી ગયો હતો. જેમાં વેસ્તાભાઇને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી.
આજુબાજુમાંથી ભેગા થયેલા લોકોએ ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે ગરબાડાના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવારમાં તેમનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકના પુત્ર મુકેશભાઇ ડામોરે અકસ્માત કરી નાસી ગયેલા અજાણ્યા ચાલક સામે ગરબાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.