રાજેશ વસાવે :- દાહોદ
ચાકલીયા અંડર પાસમાં પાણી ભરાતા પોલીસ બંદોબસ્ત મુકાયો,સેન્ટ સ્ટીફન સ્કૂલમાં પાણી ભરાયા
દાહોદ શહેરમાં ત્રણ કલાકમાં સવા બે ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા..
24 કલાકમાં ફતેપુરામાં 57 મિલીમીટર, દાહોદમાં 60 મિલિમીટર,ગરબાડા, લીમખેડા તેમજ સિંગવડમાં એક ઇંચ વરસાદ.
સરસ્વતી સર્કલ પર પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો, પાંચવાડામાં ઝાડ પર વીજળી પડતા મહિલા ઇજાગ્રસ્ત..
દાહોદ તા. 24
ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે દાહોદ જિલ્લામાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે.
ગઈકાલે ફતેપુરા પંથકમાં 57 મિલીમીટર એટલે કે પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
તો આજે દાહોદ શહેરમાં સાંજના ચાર વાગ્યાથી શરૂ થયેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બે કલાકમાં દાહોદ શહેરમાં બે ઇંચ વરસાદ વરસતા શહેરના ગોદીરોડને જોડતા ચાકલીયા અંડરપાસમાં પાણી ભરાઈ જતા અંડર પાસ બંધ કરવાની ફરજ પડી હતી.
સાથે સાથે જોખમી રીતે કોઈ અંડરપાસ પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ભરભોડા સર્કલ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવાયા હતા. તેવી જ રીતે શહેરના તળાવ ફળિયા ભીલવાડા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગોધરા રોડ ખાતે આવેલી સેન્ટ સ્ટીફન સ્કૂલમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાના બનાવ સામે આવ્યા છે.
આજરોજ શરૂ થયેલા વરસાદથી ત્રણ કલાકમાં 60 મિલિમિટર કરતાં વધુ વરસાદ દાહોદ શહેરમાં ખાબક્યો હતો. ઉપરાંત ગરબાડા 20,સિંગવડમાં 17 તેમજ લીમખેડામાં 17 મીમી વરસાદ વરસવા પામ્યો હતો.