દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલ એક મહાકાય ઝાડ એક મકાન પર પડતા મકાનને નુકશાન પહોંચ્યાનું જાણવા મળેલ છે. જ્યારે ત્રણ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
ગતરોજ રાત્રીના સુમારે ભારે પવન તેમજ ગાજવીજ સાથે દાહોદ શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે શહેરના ગોદીરોડ યાદવચાલ ખાતે એકાએક મહાકાય વૃક્ષ તૂટી એક મકાન પર પડતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. જેના લીધે મકાનમાં મુકેલ સરસામાનને ભારે નુકશાન પહોંચવા પામ્યું હતું. જોકે મકાનમાં નીંદર માણી રહેલા પરિવારના ત્રણ લોકોને શરીરે નાનીમોટી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે.