રાજેશ વસાવે :- દાહોદ
પતિ પત્નીના પવિત્ર રિશ્તા ને શર્મસાર કરતી અપરાધ કથા, અક્સ્માત ધટનામાં હત્યાનો ખુલાસો..
દાહોદના નાના ડબગરવાસમાં હેવાન પતિએ યુટ્યુબથી આઈડિયા લઈ સગર્ભા પત્નીને મોતને ઘાટ ઉતાર્યો..
પતિએ પત્નીથી છુટકારો મેળવવા દુધમાં ઊંઘની ગોળીઓ નાંખી બળજબરીથી પીવડાવી દેતાં પત્નિનું મોત નીપજ્યું…
દાહોદ તા.૨૪
દાહોદ જુની કોર્ટ રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે તાજેતરમાં બનેલા 22 વર્ષીય સગર્ભા પરિણીત મહિલાના અપમૃત્યુના બનાવમાં છોકરી પક્ષના લોકોએ હત્યા કર્યાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.તે મૃતક પરણીતાના આવેલા પીએમ રિપોર્ટમાં ઊંઘની દવાવાળા દૂધના કારણે મોત નીપજ્યાનું સામે આવતા મૃતક પરિણીત મહિલાની માતાએ પોતાના જમાઈ સામે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે મૃતક પરણીતાના પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ગત તારીખ ૨૦ મી જૂનના રોજ રાત્રિના સમયે દાહોદ જુની કોર્ટ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની સામે રહેતી ૨૨ વર્ષીય ડિમ્પલબેન મેહુલકુમાર પરમારનું અપમૃત્યુ થતાં પતિ મેહુલકુમાર કૈલાશચંદ્ર પરમાર દ્વારા રાત્રિના સમયે ઉલ્ટી થયા બાદ ડિમ્પલનું મૃત્યુ થયાના મતલબની જાણ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જ્યારે મરણજનાર ડિમ્પલબેનના પિયર પક્ષના લોકોએ ડિમ્પલબેનની હત્યા કરવામા આવી હોવાના જલદ આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. તે સમયે સ્થિતિની ગંભીરતાને પારખી જઈ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દાહોદનો નાનો ડબગરવાસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. અને મેહુલકુમાર પરમારના ઘર આગળ પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તે વખતે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તબક્કે આકસ્મિક મોતના ગુનાના કાગળિયા કરી મૃતક ડિમ્પલબેનની લાશને ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. અને ગઈકાલે તેનો પીએમ રિપોર્ટ આવતા અને પીએમ રિપોર્ટમાં ડિમ્પલબેનનું મોત ઉંઘની વાળું દૂધ પીવાને કારણે થયાનું બહાર આવતા મરણ જનાર ડિમ્પલબેનની માતા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ ગામના હનુમાન ગલીમાં નિરંકારી ડીકી હાઉસ ની સામે રહેતા ૪૦ વર્ષીય જયશ્રીબેન સંજયભાઈ ડાહયાભાઈ દેવડાએ મરણ જનાર ડિમ્પલબેન અને તેના પતિ મેહુલકુમાર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય, કંટાળી જઈ મેહુલકુમારે ડિમ્પલબેનને ઉંઘની દવાની ટિકડીયોનો ભુક્કો કરીને દૂધમાં નાખી પીવડાવવા જતા ડિમ્પલબેને તે દૂધ પીવાની ના પાડતા પતિ મેહુલે તેને માર મારી બળજબરી પૂર્વક દવાવાળું દૂધ પીવડાવી દઈ તથા આ બાબતે કોઈ અવાજ કરીશ તો દીકરા આરવને પણ મારી નાખીશ. તેવી ગર્ભિત ધમકીઓ આપી ચૂપ કરાવી દેતા, આ દવાવાળા દૂધના કારણે ડિમ્પલબેનનું મોત નીપજ્યું હોવાના મતલબની કેફિયત ભરી ફરિયાદ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા નોંધાવતા પોલીસે આ સંદર્ભે મરણજનાર ડિમ્પલબેનના પતિ મેહુલકુમાર કૈલાશચંદ્ર પરમાર વિરુદ્ધ ઇ.પી. કો. કલમ ૩૦૨,૩૨૮,૫૦૬(૨), ૪૯૮(ક) મુજબ માનસિક ત્રાસ આપી હત્યા કર્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
*પત્નીની હત્યા કરવા માટે મેહુલ એ ત્રણ દિવસ youtube પર સર્ચ કર્યું..*
પત્નીનું કાયમ માટે કાસળ કાઢી નાખવા માટે મેહુલે youtube પર ઝેરની દવા કેટલા સમયમાં અસર કરે છે. કેટલા સમયમાં આ વ્યક્તિનું મોત થાય છે, ઊંઘની દવાઓથી માણસ કેવી રીતે મળે છે. આવા વિડિયો ત્રણ દિવસ સુધી જોયા બાદ પત્નીને મારી નાખવા માટે youtube માંથી idea લઈ મેહુલ એ નજીકના મેડિકલ સ્ટોર પરથી ઊંઘની બે દવાઓની સ્ટ્રીપ જેમાં 20 ગોળીઓ હતી તમામ ગોળીઓ દૂધમાં ભેળવી પત્ની ડિમ્પલને પીવડાવી મોતના ઘાટે ઉતારી દીધી હતી.
*પતિ પત્ની વચ્ચેના અણબનાવમાં પરિવારનો માળો વિખેરાયો: કેટલીય જિંદગી બરબાદ થઈ.*
મેહુલ જેના સાથે જીવન મરણના કોલ આપી ડિમ્પલ પરિણય સૂત્રમાં બંધાઇ હતી. છ વર્ષના દાંપત્ય જીવનમાં આરવ નામક છોકરો પણ થયો. અને દોઢ મહિનાની બીજી પ્રેગનેન્સી પણ હતી. આ સમયગાળા દરમિયાન પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા એક માસ પૂર્વે સમાજ રહે નિકાલ પણ થયો હતો. ત્યારબાદ પણ પત્નીને કોઈપણ કાળે મોતના ઘાટે ઉતારવાનું જૂનુંન લઈ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. આ બનાવમાં ડિમ્પલ અને ગર્ભમાં રહેલો બાળક હવે આ દુનિયામાં નથી. મેહુલ હવે આજીવન જેલમાં રહેશે. બીજી તરફ મેહુલ અને ડિમ્પલ નો ચાર વર્ષનો નિર્દોષ પુત્ર આરવે માનું છત્ર ગુમાવી દીધું છે. બાપ થી દુર થઈ ગયો છે. તો બીજી તરફ માતા-પિતાની બુઢાપાની લાઠી પણ હવે દૂર થઈ ગઈ છે. આ સમગ્ર પ્રકરણમાં મેહુલની એક નાનકડી ભૂલે આખા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.
———————————–