દાહોદ ડેસ્ક :-
ફતેપુરામાં કાળા બજાર કરતા વેપારીઓને ત્યાં મામલતદારની ટીમનો દરોડો.દાહોદ લાઈવના સમાચાર નો પડઘો,ફતેપુરામાં ૧૫ જેટલા વેપારીઓ પૈકી 4 દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરાઈ,કલેકટરના આદેશથી કાર્યવાહી હાથ ધરાઇ.લોકડાઉન થવાની અફવા ફેલાવી ફરીથી ભાવ વધારો શરૂ કરી દીધો હતો.
દાહોદ તા.11
ફતેપુરા નગરમાં ફરીથી લોકડાઉન થવાની અફવાને પગલે કેટલાક લોભિયા વેપારીઓ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સહિત તમાકુ પાન-મસાલાનું શરૂ કરી દીધા હતા ત્યારે આ બાબતે ગઈકાલે “દાહોદ લાઈવ” એ સમાચાર પ્રસારિત કરતા આજરોજ કલેકટરશ્રીના આદેશો અનુસાર મામલતદારની ટીમે છાપો માર્યો હતો જેમાં ૧૫ જેટલા વેપારીઓ પૈકી ૪ દુકાનોને સીલ કરી દેવાઈ હતી.
દાહોદ જિલ્લાની રાજસ્થાન સરહદ સીલ કરાઇ હોવાથી ગુજરાતમાં પણ લોકડાઉન થવાની અફવાઓએ જોર પકડતાં ફતેપુરા નગર સહિત જિલ્લાના વેપારીઓ દ્વારા આવશ્યક ચીજ વસ્તુઓ સહિત તમાકુ પાન મસાલા ગુટકાના ભાવો પર ફરીથી કાળા બજાર શરૂ કરી દેવાયા હતા. જે બાબતે ગ્રામીણ વિસ્તારની પ્રજા દ્વારા રજૂઆત કરાતા તેમજ દાહોદ લાઈવ દ્વારા આ મામલે સમાચાર પ્રસારિત કરતા આજ રોજ કલેક્ટરશ્રી વીજય ખરાડીના આદેશો અનુસાર મામલતદારની ટીમ દ્વારા ફતેપુરામાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં લોકચર્ચા મુજબ ૧૫ જેટલા કાળા બજાર કરતા વેપારીઓ પૈકી હાલમાં છ જેટલા વેપારીઓને ત્યાં તપાસ કરાઇ હતી. તેમજ કલેકટરના આદેશ મુજબ દુકાને સીલ મારવાની કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ફતેપુરા પંથકમાં કેટલાક વ્યાપારીઓ દ્વારા તમાકુ બનાવટની ચીજ વસ્તુઓ પર વધુ ભાવો લેતા હોવાની ફરિયાદો મળતા કાર્યવાહી હાથ ધરાઈ :-વી.જી રાઠોડ( ઈન્ચાર્જ મામલતદાર ફતેપુરા)
ફતેપુરામાં તમાકુ બનાવટની ચીજ વસ્તુઓ પર વેપારીઓ દ્વારા કાળા બજાર કરાતા હોવાની રજૂઆત થઈ હતી કલેકટર સાહેબના આદેશ મુજબ છ જેટલા વેપારીઓને દુકાન સીલ કરાઈ હતી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વેપારીઓ વધુ ભાવ લેતા હોય તો તાત્કાલિક મામલતદાર કચેરીએ જાણ કરવી.
લોકડાઉનની અફવાઓ વચ્ચે હોલસેલના મોટા વ્યાપારીઓ દ્વારા તમાકુ બનાવટની ચીજવસ્તુઓ પર કૃત્રિમ અછત ઉભી કરી ઉંચા ભાવે માલ વેંચતા નાના વ્યાપારીઓની “સૂડી વચ્ચે સોપારી ” જેવી હાલત:મોટા વ્યાપારીઓના ગોડાઉન તેમજ દુકાનોમાં ઓચિંતી ચકાસણી કરી કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ
આ બાબતે કેટલાક વેપારીઓને પુછપરછ કરતા તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં પણ લોકડાઉન થવાની અફવાઓ ફેલાઈ હતી તેમજ હોલસેલ વેપારી ઝાલોદ લીમડી દાહોદ દ્વારા પણ અમોને ઉંચા ભાવે માલ આપતા હોવાથી ઊંચા ભાવે વેચાણ કરવું પડે છે.જેથી જિલ્લાના ડીલર હોય તેઓની પણ દુકાનો સીલ થવી જોઈએ અને તપાસ હાથ ધરવી જોઈએ.
દુકાનો સીલ કરાયેલા વેપારીઓની યાદી
(1) શંકરભાઈ કિશોરી અગ્રવાલ(2) સતિષભાઈ સોહનભાઈ અગ્રવાલ(3) સુરેશ કિશોરી અગ્રવાલ (4) સુનિલકુમાર અગ્રવાલ.