
રાજેશ વસાવે :- દાહોદ
ભરઉનાળે વાતાવરણમાં પલ્ટો, અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગની આગાહી સાચી પડી.
દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ.
આકરી ગરમીથી મળી આંશિક રાહત
દાહોદ તા.26
દાહોદ જીલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો, વાદળ છાયા વાતાવરણ વચ્ચે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. પંથકના દાહોદ ઉપરાંત રાછરડા,અનાસ, કતવારા તેમાં દાહોદના આસપાસ ગાજવીજ સાથે વરસાદ વરસવા પામ્યો હતો. જોકે આ ઉપરાંત સંજેલીના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા વાતાવરણ પલટાયું હતુ. સાથે સાથે દાહોદના જાલતમાં એક વૃક્ષ ઉપર આકાશી વીજળી પડ્યાનો બનાવ પણ સામે આવ્યો છે.
હાલમા ઉનાળાની સિઝન ચાલી રહી છે. ગરમીનો પારો 41 ડીગ્રીને પાર થઈ રહ્યો છે ત્યારે આજે શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. સમગ્ર દાહોદ જીલ્લામા આજે વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું છે. સાથે વિજળીના કડાકા સાથે વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અને હાલ ઉનાળાની ઋતુમાં ધોમધખતા તાપમાંથી લોકોને થોડીક રાહત મળી છે.જોકે, વરસાદી વાતાવરણ થઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે અને વરસાદી ઝાપટાના કારણે ખેડુતોના પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે, જ્યારે બેવડી ઋતુના કારણે રોગચાળો વકરે તેવી શક્યતા છે.હાલ એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં હીટવેવની અસર શરુ થતાં ગરમીનો પારો 41 ડીગ્રીની સપાટીએ પહોંચી ગયો છે. આજે વહેલી સવારથી દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતુ. અને સવારના સમયે 6:30 વાગ્યે દાહોદ શહેરમાં કમોસમી વરસાદી ઝાપટુ પડ્યુ હતુ, વરસાદ વરસતા લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી.