
દેવગઢ બારીયાના અંતેલામાં બીમાર હાલતમાં બાળ દિપડો મળી આવતા વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું
દેવગડબરીયા તા. ૨૪
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અંતેલા ગામના માલુ ફળિયા વિસ્તારમાંથી બાળ દીપડો બીમાર હાલતમાં મળી આવ્યો છે. દીપડા અંગેની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળ દીપડાનું રક્યૂ કરી સારવાર માટે ખસેડ્યો છે. આ તરફ સ્થાનિકો પણ ભયમાંથી બહાર આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ અંતેલા ગામના માલુ ફળિયા વિસ્તારમાં ખેતરમાં ખેતી કામ કરતા ખેડૂતને બાળ દીપડો નજરે ચડતા તેની જાણ વન વિભાગને કરી હતી. જેથી નાયબ વન સંરક્ષક તેમજ આર.એફ.ઓ. સહિતના વનકર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં દીપડાનું રેસ્ક્યુ કરી પાંજરે પુર્યો હતો. વન વિભાગે દીપડાની તપાસ કરતાં તેની ઉમર અંદાજે છએક માસની અને તે તે બીમાર હોવાનું જણાયું હતું. જેથી તેને તાત્કાલિક તબીબી સારવાર આપી હતી.
*બાળ દીપડાને પ્રાથમિક સારવાર હેઠળ રખવામાં આવ્યો..*
આ વિસ્તારમાં અન્ય બાળ દીપડાઓ પણ આંટાફેરા કરતા હોવાનું ગ્રામજનો દ્વારા કહેવાઇ રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં દીપડાઓનું રહેણાંક હોવાનું પણ મનાઇ રહ્યું છે. હાલમાં વન વિભાગ દ્વારા બીમાર મળી આવેલા બાળ દીપડાને પ્રાથમિક સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની તબિયત સુધારા પર આવતા તેને ફરીથી તે વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે તેવું નાયબ વન સરક્ષકે જણાવ્યું હતું.