Friday, 22/11/2024
Dark Mode

રાજ્યો વચ્ચે મતભેદો…..લોકડાઉનના કપરાકાળમાં અટવાયેલા શ્રમિકો પોલિસ સાથે ઘર્ષણમાં ઉતર્યા:પોલિસ પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ મચાવી:પોલિસે શ્રમિકોને પરત મોકલ્યા

રાજ્યો વચ્ચે મતભેદો…..લોકડાઉનના કપરાકાળમાં અટવાયેલા શ્રમિકો પોલિસ સાથે ઘર્ષણમાં ઉતર્યા:પોલિસ પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ મચાવી:પોલિસે શ્રમિકોને પરત મોકલ્યા

જીગ્નેશ બારીયા @ દાહોદ 

 દાહોદ તા.૦૨

દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પર યુપીના શ્રમીકોને અને તેમની ગાડીઓને મધ્યપ્રદેશના પ્રશાસન તેમજ પોલીસ તંત્ર દ્વારા રોકી દેવામાં આવી છે. યુપી સરકાર દ્વારા હાલ તેઓના રાજ્યોમાં તેઓના જ શ્રમીકોને પ્રવેશના નહીં દેવાની બનાવથી મધ્યપ્રદેશ અને ગુજરાતને અડીને આવેલ સરદહ ખંગેલા ચેકપોસ્ટ પર શ્રમીકોના વાહનો અને શ્રમીકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.શ્રમીકો દ્વારા ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન યુ.પી.શ્રમીકો દ્વારા ખંગેલા ચેકપોસ્ટ પર દાહોદ પોલીસ પર પથ્થર મારો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શ્રમીકો દ્વારા પોલીસ જવાનો પર પથ્થર મારો કરાતાં પોલીસની ગાડીઓ, બીજી પેસેન્જર ગાડીઓના કાચ તુટ્યા હતા. આ પથ્થર મારામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાનુ જાણવા મળ્યું છે.ત્યારે વધુમાં દાહોદ પોલીસને પોતાનો સ્વબચાવ કરવા માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સામે ઉભેલ મધ્યપ્રદેશની પોલીસ દાહોદની પોલીસને બચાવવાની જગ્યાએ મુકપ્રેશક બની ઉભી રહેતા દાહોદ પોલીસ મીત્રોમાં પણ મધ્યપ્રદેશ પોલીસ પ્રશાશન સામે છુપો રોષ જોવા મળી રહ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા હાલ યુ.પી.તેમજ મધ્યપ્રદેશના શ્રમીકોને સરકારી વાહનો મારફતે તેમજ ખાનગી વાહન મારફતે જે તે સરહદી વિસ્તાર ખાતે મુકી આવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન યુપી સરકાર દ્વારા પોતાના જ નાગરિકોને હાલ પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતા અને પોતાના રાજ્યોમાં પ્રવેશ નહીં આપતા આવા સમયે ગાડીઓ ભરી ભરીને તેમજ પગપાળા જઈ રહેલા શ્રમીકો દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ ખાતે આ શ્રમીકોને મધ્યપ્રદેશ સરકાર તેમજ પોલીસ પ્રશાશન દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા. જોતજોતામાં આ ખંગેલા ચેકપોસ્ટ પર શ્રમીકોથી ભરેલ ગાડીઓની લાંબી કતારો જામી ગઈ હતી.અને બીજી તરફ શ્રમીકો રસ્તા ઉપર પણ ઉતરી આવ્યા હતા. શ્રમીકો રસ્તા ઉપર ઉતરી આવી આવન જાવન બંધ કરી દીધો હતો.અને આવશ્યક ચીજવસ્તુઓની ગાડીઓને પણ આગળ જતી અટકાવી હતી.આ સમયે દાહોદ પોલીસ દ્વારા શ્રમીકોને શાંત રહેવાની અપીલ પણ કરી હતી.પરંતુ જોતજોતામાં ઉશ્કેરાયલ યુ.પી.ના શ્રમીકો દ્વારા દાહોદ પોલીસ પર પથ્થર મારો કરતાં એકક્ષણે ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. શ્રમીકો દ્વારા સતત પથ્થર મારો ચલાવતા પોલીસની ગાડીઓના કાચ તુટ્યા હતા.અને કતાર બંધ ઉભેલ બીજી ગાડીઓ ઉપર પણ યુપીના શ્રમીકોએ પથ્થર મારો કરતાં આ ગાડીઓના કાચ પણ તુટ્યા હતા.આ પથ્થર મારામાં કેટલાક પોલીસ કર્મચારીઓને પણ શરીરે ઈજાઓ પહોંચી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં સામાપક્ષેથી મધ્યપ્રદેશ પ્રશાશન અને પોલીસ પ્રશાશન માત્ર શોભાના ગાઠીયા સમાન ઉભા ઉભા જોઈ રહી હતી.દાહોદ પોલીસ પર પથ્થર મારો ચાલતો હતો.અને બીજી તરફ મધ્યપ્રદેશ પોલીસ માત્ર મુકપ્રેશક બની તમાસો નીહાળતી હતી. આ એક શરમજનક ઘટના જોઈ ઉપસ્થિત સૌ કોઈમાં છુપો રોષ પણ જોવા મળી રહ્યો હતો. પોલીસ દ્વારા આ બાદ શ્રમીકોના ટોળાને કાબુમાં લેવા માટે બળ પ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી.

હાલ જ્યારે સમગ્ર દેશમાં રાજ્યની તમામ જગ્યાએ શ્રમીકો અટવાયેલા છે ત્યારે આવા સમયે રાજ્ય રાજ્યમાં આંશિક મતભેદો પણ ઉદ્‌ભવવા પામ્યા છે. રાજકારણ કહો કે, જવાબદારી પરંતુ આવી મહામારીના સમયે રાજ્યો વચ્ચેના આંતરિક મતભેદોના કારણે પોલીસ, પ્રશાશન તેમજ કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ કોરોના મહામારીના કપરા સમયે પોતાના વતનથી દુર એવા શ્રમીકોને પણ ઘર પરિવાર યાદ આવતા જ  હોય છે અને કદાચ આવેશમાં આવી તેઓએ આ પગલુ ઉઠાવ્યું હોય? મહીનાઓ સુધી પોતાના ઘર પરિવારથી દુર રહી ઘરે જવાની આશાઓ સાથે જો આમ તેઓને અધવચ્ચે રસ્તામાં મુકી દેવામાં આવે તો તેઓનો આક્રોશ પણ વ્યાજબી છે પરંતુ આ સમગ્ર મામલે રાજ્યોના સંકલનના અભાવે અને આંતરિક મતભેદોના કારણે પોલીસ તંત્ર,પ્રશાશન, કર્મચારીઓ તેમજ શ્રમીકોને તેનુ પરિણામ ભોગવવું પડે તે કેટલી હદે વ્યાજબી છે.? આજની આ ઘટનાથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્રમાં સ્તબ્ધતાના માહોલ સાથે એક્શનમાં આવી ગઈ છે અને હવે આવનાર દિવસોમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર કેવા પ્રકારનું રૂખ અપનાવશે તે જોવાનું રહ્યું.વધુમાં જાણવા મળ્યા અનુસાર, દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે કલેક્ટર, પોલીસ પ્રશાશન વિગેરેની ટીમ આ ભથવાડા ટોલનાકા પાસે પહોંચી ગઈ હતી અને ગોધરા તરફથી આવતી યુ.પી.ના શ્રમીકોના વાહનોને ત્યા જ રોકી દેવાની ફરજ પડી હતી. કલેક્ટરનો કાફલો આ ભથવાડા ટોલનાકા પાસે પહોંચી જઈ યુ.પી.ના શ્રમીકો ભરેલ ગાડીઓને સ્થળ પર હાલ રોકી દેવામાં આવ્યા છે. જ્યા સુધી ઉચ્ચ સ્તરીય આદેશો નહીં મળે ત્યાર સુધી આ વાહનોને આગળ વધારવું અત્યંત જાખમી પુરવાર થઈ શકે તેમ છે.

 ત્રણેય રાજ્યોના સંકલનના અભાવે યુપીના મજૂરો રસ્તામાં  અટવાયા:ગુજરાત મધ્ય પ્રદેશ બોર્ડર પર પોલિસ જોડે ઘર્ષણ થયું: પરિણામ સ્વરૂપ પોલીસ ઉપર પથ્થરમારો

 મહામારીને લીધે દેશભરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું.જેના લીધે મધ્યપ્રદેશ,રાજસ્થાન, યુપી તેમજ પશ્ચિમ બંગાળ સહીતના પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં રઝળી પડતા હતા જયારે લોકડાઉન લંબાતા સરકાર દ્વારા કોરોના મહામારીને નાથવા માટે પરપ્રાંતીય મજૂરોને વતન મોકલવા માટે મધ્યપ્રદેશ,યુપી સરકાર જોડે વાટોઘાટો કરી મજૂરોને વતન આવવા માટે પરસ્પર મંજૂરી આપતાં મધ્ય પ્રદેશ,યુપીના મજૂરો પોતાના પરિવારના પત્ની બાળકો સહીતઘરે જવા સરકારશ્રી માંથી મંજૂરી લઇ ખાનગી ગાડી, બસો, રીક્ષા જેવામાં વતન ભણી વાટ પકડી હતી ત્યારે ગતરાત્રે યુપી સરકારે મજૂરોને પરત લાવવાના આદેશને રોકી દેતા હજારો મજૂરો રસ્તા પર રઝળી પડ્યા હતા અને આજરોજ મધ્યપ્રદેશ યુપી સહિતના મજૂરો ગુજરાત મધ્યપ્રદેશની ખંગેલા બોર્ડર પર આવતા મધ્યપ્રદેશ પોલિસે ફક્ત મધ્યપ્રદેશ ના મજૂરોને પ્રવેશ આપી યુપીના મજૂરોને રોકી દેતા યુપીના વતન જવાની જીદ પકડી મજૂરોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી પોલિસજોડે ઘર્ષણમાં ઉતરી ગયા હતા. પોલિસે મજૂરોને સમજાવતા રોષે ભરાયેલા મજૂરોએ એકાએક પોલિસ ઉપર પથ્થરમારો શરૂ કરી દેતા એક તબબકે પોલિસ પણ ભાગવા પર મજબુર બની ગઈ હતી જેના પરિણામ સ્વરૂપ તોફાની તત્વો દ્વારા પોલિસની બે પીસીઆર વાન તેમજ લકઝરી બસોના કાચના ભુક્કા બોલાવી દીધા હતા આ પથ્થરમારાંમાં કેટલાક પ્રવાસી મજૂરો તેમજ ચારથી પાંચ પોલિસ કર્મીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા.ત્યારબાદ પરિસ્થિતિ પારખી પોલિસે બળપ્રયોગ કરી મજૂરોને વેરવિખેર કરી પરિસ્થિતિ પર કાબુ મેળવી દીધો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડા સહીત પોલિસ અધિકારીઓનું કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને તમામ પ્રવાસીઓને પરત ગુજરાત તરફ મોકલી દેવામાં આવ્યા હતા.આ અફરાતફરીમાં પથ્થરમારો કરનાર ટોળું બોર્ડર ક્રોસ કરી ગયું હતું જયારે કેટલાક પોલિસના હાથે ઝડપાઇ ગયા હતા.

 ઉત્તર પ્રદેશ સરકારના આ લેખીત આદેશ સાથે ગુજરાત સરકારનો પિછે હઠ કરવી પડી હોવાના માહૌલના ઠેર-ઠેર દ્રશ્યો

ગુજરાત સરકાર દ્વારા કોરોના કહેરના લોક-ડાઉનમાં ફસાઇ ગયેલા પરપ્રાંતીયોને તેઓના વતન જવાની સત્તાવાર મંજુરીઓની જાહેરાત સાથે જ ઉત્તર-પ્રદેશ સરકારના અપર મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ ગઇકાલે એટલે કે તા.૧ મે ના રોજ મધ્યપ્રદેશ સરકારના ગૃહ વિભાગના મુખ્ય સચિવ એસ.એન.મિશ્રા,પોલીસ મહા નિર્દેશક અને અપર મુખ્ય સચિવ શ્રી કેસરીને એક લેખીત પત્ર દ્વારા અન્ય રાજયોમાંથી વાહનો મારફતે આવતા રહીશોને ઉત્તર-પ્રદેશ સરકારની મંજુરી વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. કોઇ પણ રાજયો માંથી મધ્ય પ્રદેશમાંથી જા કોઇ વાહન મારફતે મુસાફરો આવશે તો ઉત્તર-પ્રદેશ સરકાર દ્વારા આ વાહનોને રાજયમાં પ્રવેશ આપવામાં આવશે નહીં અને એના પરિણામે ગંભીર અવ્યવસ્થાની Âસ્થતી સર્જાશે! બસ ઉત્તર પ્રદેશ સરકારના અપર મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીના આ લેખીત આદેશ સાથે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજરાતમાંથી આવતા ઉત્તર પ્રદેશના મુસાફરોના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં આ નિર્ણયની જાણ આ અધિકૃત પત્ર સાથે કરવામાં આવતા ગુજરાત સરકાર રઘવાયી બની ગઇ હતી અને ઉત્તર પ્રદેશ જવા રવાના થયેલા આ અધિકૃત પાસ સાથેના મુસાફરો અને વાહનોને તાત્કાલીક અસરોથી જે – તે જગ્યાઓ ઉપર નાકાબંધીઓ સાથે રોકી દેવામાં આવ્યા છે અને “જયાંથી આવ્યા ત્યાં પરત જાવ” માટે સમજાવવામાં આવી રહ્યા છે એમાં ઠેર-ઠેર આક્રોશ બહાર આવી રહ્યો છે!
રાજ્યો વચ્ચે મતભેદો.....લોકડાઉનના કપરાકાળમાં અટવાયેલા શ્રમિકો પોલિસ સાથે ઘર્ષણમાં ઉતર્યા:પોલિસ પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ મચાવી:પોલિસે શ્રમિકોને પરત મોકલ્યા

error: Content is protected !!